ઉત્તરાખંડમાં અવિરત વરસાદ આફત બની રહ્યો છે. ભારે વરસાદ બાદ સતત ભૂસ્ખલનને કારણે ગંગોત્રી ચારધામ યાત્રા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગંગોત્રી ચારધામ યાત્રા પર વહીવટીતંત્ર દ્વારા આગામી બે દિવસ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બીજી તરફ ચારધામ યાત્રાએ જતા શ્રદ્ધાળુઓને પણ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તરાખંડમાં ઘણા જિલ્લાઓમાં બીજા દિવસે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શનિવારે ઉત્તરકાશી, ચમોલી, બાગેશ્વર, પિથોરાગઢ, ઉધમસિંહનગર અને હરિદ્વાર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
ઉત્તરાખંડમાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદને કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. ચારધામ યાત્રાના રૂટ સહિત હાઇવે બંધ થવાના કારણે મુસાફરો સ્થળોએ અટવાયા છે. પોલીસ-પ્રશાસન દ્વારા બંધ રસ્તાઓ ખોલવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ ખરાબ હવામાન સતત અવરોધરૂપ બની રહ્યું છે.