સુપ્રીમ કોર્ટએ એડલ્ટરી ગુનો નથી તેવો મોટો નિર્ણય કર્યો છે. કોર્ટે અડલ્ટરી (વ્યભિચાર) કેસમાં આઈપીસી કલમ 497ને અસંવૈધાનિક હોવાનું નક્કી કર્યું છે. પાંચ જજોની બેચમાં શામેલ ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટીસ એએમ ખાનવિલ્કરએ તેને અસંવૈધાનિક હોવાનું નક્કી કર્યું છે. પાંચ જજોની સંવૈધાનિક પીઠએ એક મત થઈ આ નિર્ણય કર્યો છે.
સુપ્રીમ કોર્ટએ પોતાના નિર્ણયમાં કહ્યું કે અડલ્ટરી ગુનો તો નહીં હોય પણ જો પત્ની પોતાના લાઈફ પાર્ટનરના વ્યભિચારને કારણે આપઘાત કરી લે છે તો સાબિતિ હાજર કર્યા બાદ તેમાં આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો ચાલી શકે છે.
જસ્ટિસ ચંદ્રચૂડએ પોતાના નિર્ણયમાં કહ્યું કે અડલ્ટરી કાયદો મનમાની છે. તેમણે કહ્યું કે આ મહિલાની ગરીમાને ઠેસ પહોંચાડે છે. અડલ્ટરી કાયદો મહિલાની સેક્સ્યૂઅલ ચોઈસને રોકે છે અને તેથી આ અસંવૈધાનિક છે.
આ પહેલા 8 ઓગસ્ટે થયેલી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક બેંચએ નિર્ણય સુરક્ષીત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે અડલ્ટરી ગુનો છે અને તેનાથી પરિવાર અને વિવાહ ભાંગી પડે છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાનીમાં સંવૈધાનિક બેંચએ સુનાવણી બાદ કહ્યું હતું કે બાબતમાં નિર્ણય પછી સંભળાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આઈપીસી કલમ 497 અંતર્ગત પુરુષોને આરોપી માનવામાં આવતા હતા. જ્યારે મહિલાને પીડિત માનવામાં આવતી હતી. કલમ એવું પણ કહે છે કે પતિની મંજુરીથી અન્ય પુરુષ સાથે સંબંધ રાખી શકે છે. તેને એક રીતે પત્નીને પતિની સંપત્તિ તરીકે માનવામાં આવતી હતી. પતિની મરજી વગર તે અન્ય પુરુષ સાથે સંબંધ રાખે છે તો પતિ તે અન્ય પુરુષ પર કેસ કરી શકે છે.
સુપ્રીમ કોર્ટમાં અરજકર્તાનું કહેવું હતું કે મહિલાઓને અલગ રીતે નથી જોઈ શકાતી કારણ કે આઈપીસીની કોઈપણ કલમમાં જેંડર વિષમતાઓ નથી. અરજીમાં કહેવાયું હતું કે આઈપીસીની કલમ 497 અંતર્ગત જે કાયદાકીય પ્રાવધાન છે તે પુરુષો સાથે ભેદભાવ વાળા છે.
અરજીમાં કહેવાયું હતું કે જો કોઈ લગ્ન કરેલો પુરુષ કોઈ લગ્ન કરેલી મહિલા સાથે તેની સહમતીથી સંબંધ રાખે છે તો તેવા સંબંધ રાખનાર પુરુષ સામે તે મહિલાનો પતિ અડલ્ટરીનો કેસ દાખલ કરાવી શકતો હતો પરંતુ સંબંધ બનાવનારી મહિલા સામે કેસ દાખલ કરવાનું પ્રાવધાન ન હતું જે ભેદભાવ વાળું હતું અને તે પ્રાવધાનને અસંવૈધાનિક જાહેર કરવામાં આવ્યું છે.