અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા ઉત્તર પ્રદેશના નાણા સચિવ અને અધિક મુખ્ય સચિવ (મહેસૂલ) વિરુદ્ધ કલેક્શન અમીનની સેવાને નિયમિત કરવા અને બાકી રકમની ચુકવણી સંબંધિત કેસમાં જામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું. અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય સામે યુપી સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે યુપી સરકારની અરજી પર સુનાવણી કરતા અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા જારી કરાયેલ વોરંટ પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો છે.
CJI NV રમનાની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે અધિકારીઓ ખૂબ અહંકારી હોય તેવું લાગે છે. CJI NV રમનાની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે તમે આ બધાને લાયક છો. તમે અહીં શું દલીલ કરી રહ્યા છો? કોર્ટે કહ્યું કે હાઈકોર્ટે અત્યાર સુધીમાં ધરપકડનો આદેશ આપવો જોઈતો હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમને લાગે છે કે તમને વધુ આકરી સજા આપવાની જરૂર છે. હાઈકોર્ટ તમારી સાથે નરમ રહી છે. તમે તમારા આચરણને જૂઓ. કોર્ટે કહ્યું કે તમે એક કર્મચારીને તેના લેણાંથી વંચિત કરી રહ્યા છો. તમે આદેશોનું પાલન કરવા માટે કંઈ કર્યું નથી. કોર્ટે કહ્યું કે હાઈકોર્ટે તમારા પર ખૂબ જ મહેરબાની કરી છે. તમારા પાસે કોર્ટ માટે કોઈ સન્માન નથી.
અસલમાં અલ્હાબાદ હાઈકોર્ટે 1 નવેમ્બરના રોજ કહ્યું હતું કે અધિકારીઓ અદાલતને રમતનું મેદાન માની રહ્યાં છે. અધિકારીઓએ તે વ્યક્તિને પગારની બાકી રકમ ચૂકવવાનો ઇનકાર કર્યો છે જેને અગાઉ સેવાના નિયમિતકરણનો યોગ્ય દાવાથી વંચિત કરી દેવામાં આવ્યો હતો. અધિકારીઓએ જાણી જોઈને કોર્ટને ગેરમાર્ગે દોર્યા છે અને અરજદારને પગારની બાકી રકમ ન ચૂકવવામાં એડિશનલ એડવોકેટ જનરલે આપેલા સોગંદનામાનો ભંગ કર્યો છે.
અલ્હાબાદ હાઈકોર્ટે અધિકારીઓના વર્તનને નિંદનીય ગણાવ્યું હતું. કોર્ટે અધિક મુખ્ય સચિવ (મહેસૂલ) અને યુપીના તત્કાલીન નાણા સચિવ, જે તે સમયે જિલ્લા મેજિસ્ટ્રેટ હતા, સામે ધરપકડ વોરંટ જારી કરવાનો નિર્દેશ આપ્યો હતો અને તેમને 15 નવેમ્બરે હાજર થવા જણાવ્યું હતું. અલ્હાબાદ હાઈકોર્ટના આ આદેશ વિરૂદ્ધ યૂપી સરકારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો પરંતુ રાહત મળી નથી.