આમ તો ‘કચ્છડો બારે માસ’ કહેવાય છે, પરંતુ કચ્છની શોભા અને મજા શિયાળામાં અનેકગણી વધી જાય છે. કેમ કે, શિયાળામાં ભૂજથી લગભગ એંસી કિલોમીટરના અંતરે આવેલા ધોરડો પાસેના વિરાટ મેદાની વિસ્તારમાં સફેદ રંગની ચાદર છવાઈ જાય છે. વરસાદી પાણી સુકાયા પછી સર્જાતી આ કુદરતની કરામત ‘સફેદ રણ’ અથવા તો ‘વ્હાઇટ ડેઝર્ટ’ તરીકે ઓળખાય છે. આ અનોખા કુદરતી સર્જન સાથે લોકોને જોડવા માટે જ દર વર્ષે આ સમયગાળામાં ‘રણ ઉત્સવ’નું આયોજન કરવામાં આવે છે. વિશ્વના ખૂણેખૂણામાંથી પ્રવાસીઓ આ કુદરતી અજાયબીને નરી આંખે નિહાળવા માટે શિયાળામાં અહીં આવે છે. અહીં ડૂબતા સૂરજનો, પરોઢિયે સૂર્યોદયનો અને રાત્રે ચાંદનીનો કે અંધારી રાત્રે તારા મઢ્યા આકાશને જોવાનો અનુભવ એવો અવિસ્મરણીય હોય છે કે અનેક પ્રવાસ શોખીન લોકો સફેદ રણને પોતાના ‘બકેટ લિસ્ટ’માં એટલે કે જીવનમાં એક વાર અચૂક જેવા જેવાં સ્થળોની યાદીમાં મૂકે છે.
આ વર્ષે દિવાળી પછી આવેલા કમોસમી વરસાદને કારણે પ્રવાસીઓ સફેદ રણમાં જઈ શકશે કે કેમ તેવી ચિંતા સેવાઈ રહી હતી. પરંતુ લેટેસ્ટ માહિતી પ્રમાણે વરસાદી પાણી સંપૂર્ણપણે સુકાઈ ચૂક્યાં છે અને સફેદ રંગની નક્કર જાજમ ફરીથી પૂરબહારમાં ખીલી ઊઠી છે. એટલું જ નહીં, અનેક પ્રવાસીઓ પણ અહીં આવી પહોંચ્યા છે. તેમના આહલાદક અનુભવો તેમણે ‘દિવ્ય ભાસ્કર’ સાથે શૅર કર્યા હતા, જે આપ ઉપરના વીડિયોમાં જોઈ શકો છો.
તમામ આધુનિક સગવડો સાથેનાં ટેન્ટ સિટીનો પણ પ્રારંભ થઈ ચૂક્યો છે, જે પ્રવાસીઓને આરામદાયક સ્ટે આપવા ઉપરાંત ઓથેન્ટિક કચ્છી તથા ગુજરાતી રસોઈની સ્વાદિષ્ટ વાનગીઓ માણવાનો અનુભવ પણ આપે છે. આ ઉપરાંત કચ્છી લોકજીવન અને સંસ્કૃતિ, કચ્છી લોકસંગીત-લોકનૃત્ય માણવાનો લાહવો તથા કચ્છની એકદમ સમૃદ્ધ હસ્તકળાના નમૂનારૂપ અવનવી વસ્તુઓના શોપિંગની પણ તક ‘રણ ઉત્સવ’ આપે છે.
આ વખતનો 28 ઓક્ટોબર 2019થી શરૂ થયેલો રણ ઉત્સવ 23 ફેબ્રુઆરી 2020 સુધી ચાલશે. આ માટેની તમામ માહિતી ફેસબુક પેજ Rann Utsav Official પર આપવામાં આવી છે. આ ઉપરાંત બુકિંગ સહિતની જાણકારી માટે www.rannutsav.net પર પણ લોગ ઈન કરી શકો છો.