નોએડાના સૌથી પોશ અને સુરક્ષિત માનવામાં આવતા સેક્ટર-50માં ધોળા દિવસે ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીના ઘરે ચોરી થઈ છે. ચોરોએ ઘરનું તાળું તોડીને લાખો રુપિયા અને ઘરેણાંની ચોરી કરી છે. આ હાઈ પ્રોફાઈલ ચોરીની ઘટનાની સૂચના મળતા જ SSP સહિત તમામ પોલીસ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા છે.
પોલીસ અત્યારે તપાસ કરી રહી છે. ફોરેન્સિક અને ડોગ સ્ક્વૉડની ટીમને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. કોતવાલી સેક્ટર-49 પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે.
નોએડાના આ ઘરમાં ઓમપ્રકાશ કોહલીના દીકરી રિતુ કોહલી રહે છે. તે અંબાલાની એક કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે. અત્યારે તે અંબાલામાં છે અને ઘરની દેખરેખ ધોબી પ્યારેલ લાલ કરતો હતો. સવારે લગભગ 10 વાગ્યે પ્યારે લાલ કોઈ કામથી બહાર ગયો ત્યારે ઘરમાં તાળું હતુ.
બપોરે પ્યારે લાલ લગભગ દોઢ વાગે ઘરે પાછો ફર્યો ત્યારે તેને ચોરીની જાણ થઈ. ચોર તાળું તોડીને અંદર ઘુસ્યા અને ગ્રાઉન્ડ ફ્લોર તેમજ ફર્સ્ટ ફ્લોરના 3 રુમની દરેક તિજોરી તોડીને લાખો રુપિયા અને જૂલરી ચોરી ગયા.