- ટ્રેનમાં તત્કાલ ક્વોટા અને પ્રીમિયમ તત્કાલ ક્વોટા હેઠળ ટિકિટનું વેચાણ કરવામાં આવશે નહીં
- તેજસ એક્સપ્રેસમાં મુસાફરી કરનારા મુસાફરોને 25 લાખ રૂપિયાનો ટ્રેન જર્ની ઈન્શ્યોરન્સ ફ્રીમાં મળશે
- ટ્રેનમાં કોઈ પણ વર્ગને ભાડામાં છૂટ નહીં મળે
યુટિલિટી ડેસ્ક. ભારતીય રેલવે 100 દિવસના એક્શન પ્લાન હેઠળ ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) બે તેજસ એક્સપ્રેસ ટ્રેન દોડાવશે. બંનેમાંથી એક ટ્રેન જે નવી દિલ્હીથી લખનઉ જંક્શનની વચ્ચે દોડશે તો બીજી ટ્રેન અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલની વચ્ચે દોડશે. આઈઆરસીટીસીએ જાહેરાત કરી છે કે, આ ટ્રેનમાં તત્કાલ ક્વોટા અને પ્રીમિયમ તત્કાલ ક્વોટા હેઠળ ટિકિટનું વેચાણ કરવામાં આવશે નહીં. આ ટ્રેનમાં માત્ર જનરલ ક્વોટા જ હશે.
તેજસ એક્સપ્રેસ સાથે જોડાયેલી ખાસ બાબતો
25 લાખ રૂપિયાનો વીમો મળશે
ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન ખાનગી ઓપરેટર તરીકે દેશની પહેલી ટ્રેન તેજસ એક્સપ્રેસ ચલાવવાની તૈયારી કરી રહી છે. આઈઆરસીટીસીના જણાવ્યા અનુસાર, દિલ્હી-લખનઉની વચ્ચે ચાલનારી તેજસ એક્સપ્રેસમાં મુસાફરી કરનારા મુસાફરોને 25 લાખ રૂપિયાનો ટ્રેન જર્ની ઈન્શ્યોરન્સ ફ્રીમાં ઉપલબ્ધ કરાવશે.
ટ્રેનમાં કોઈ પણ વર્ગને ભાડામાં છૂટ નહીં મળે
તેજસ ટ્રેનમાં વીઆઈપી ક્વોટા હેઠળ સાંસદ, ધારાસભ્ય, રાજ્યના મંત્રી, જાહેર પ્રતિનિધિ, રેલવે ઓફિસર અને મીડિયાકર્મચારીઓને કંફર્મ બર્થ આપવામાં આવશે નહીં. ટ્રેનમાં કોઈ પણ વર્ગને ભાડામાં છૂટ આપવામાં નહીં આવે.
આ ટ્રેનમાં 5-12 વર્ષના બાળકનું આખુ ભાડું લાગશે. દિલ્હી-લખનઉની વચ્ચે ઓક્ટોબર મહિનાથી દેશમાં પહેલી ખાનગી તેજસ ટ્રેન દોડશે. રેલવે બોર્ડના જણાવ્યા અનુસાર, ઈમરજન્સી ક્વોટા હેઠળ પેસેન્જર ટ્રેન રાજધાની, શતાબ્દી, દૂરન્તો, મેલ-એક્સપ્રેસ વગેરેમાં વેટિંગ ટિકિટની અવેજમાં બર્થ ઉપલબ્ધ કરવામાં આવે છે.
તેમાં સાંસદ, ધારાસભ્ય જેવા લોકો પણ સામેલ છે. પરંતુ આઈઆરસીટીસીની મદદથી દોડનારી દેશની પ્રથમ ખાનગી ટ્રેનમાં વીઆઈપી ક્વોટાની જોગવાઈ નહીં હોય. તેજસ પહેલી ટ્રેન હશે જેમાં RAC (રિઝર્વેશન અગેન્સ્ટ કેન્સલેશન) ટિકિટ આપવામાં નહીં આવે.