આ અઠવાડિયે 21-22 ઓક્ટોબરે પુષ્ય નક્ષત્ર અને દિવાળીના શુભ સંયોગમાં ખરીદી ચરમસીમાએ પહોંચી જશે. દિવાળી પર્વ નિમિત્તે ઘરેણાં, કપડાં, લાઈટિંગ, મીઠાઈ, ફટાકડા, રિયલ એસ્ટેટ, ઘર સજાવટ અને ઓટો વગેરે ક્ષેત્રમાં માંગ વધવાની શરૂઆત થશે. કોન્ફેડરેશન ઓફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ)ના મહાસચિવ પ્રવીણ ખંડેલવાલ કહે છે કે દેશભરમાં દર વર્ષે આશરે રૂ. 45 લાખ કરોડનો વેપાર થાય છે. દશેરાથી દિવાળી સુધીના વીસ દિવસમાં રૂ. પાંચથી છ લાખ કરોડનો વેપાર થવાનું અનુમાન છે. જોકે, ગયા વર્ષની તુલનામાં આ વર્ષે વેપાર થોડો ઓછો છે, પરંતુ આજથી દિવાળીની ખરીદી ઝડપથી વધશે. અમને આશા છે કે, સારો વેપાર થશે.
ક્ષય તૃતિયા અને દિવાળી એક સાથે હોવાથી મકાનોની ઈન્કવાયરી ગયા વર્ષ કરતાં બે ગણી વધારે છે. આ વખતે ગયા વર્ષ કરતાં 25-30 ટકા વધુ સોદાની આશા છે. મોટાં શહેરોમાં રૂ. એકથી દોઢ કરોડ સુધીનાં મકાનો અને નાના શહેરોમાં રૂ. 30થી 60 લાખ સુધીનાં મકાનોની માંગ સૌથી વધુ છે. જ્યારે ટિ્વટર ઈન્ડિયાએ ‘ભાસ્કર’ને જણાવ્યું કે ગયા વર્ષથી જ સૌથી વધુ ખરીદી ફેશન અને ગેજેટ કેટેગરીમાં થઈ રહી છે. દર ચારમાંથી એક ગ્રાહક મોટી ખરીદી કરે છે. હાલ શોપિંગ કરનારામાં સૌથી વધુ 52 ટકા લોકો કપડાં, બેગ અને જૂતાં ખરીદી રહ્યા છે, જ્યારે બીજી તરફ ઓટો સેક્ટરમાં પણ હવે કંપનીઓ ડિસ્કાઉન્ટ સાથે ગ્રાહકોને આકર્ષિત કરી રહી છે. મારુતિ સુઝુકીએ કેટલીક કાર પર રૂ. એક લાખ સુધીની છૂટ આપી છે.
સોનું: રૂ. 14 હજાર કરોડના સિક્કા-ઘરેણાં વેચાઈ શકે છે
દુનિયાના સૌથી મોટા ગોલ્ડ જ્વેલર્સ રાજેશ એક્સપોર્ટ્સના એમડી રાજેશ મહેતા કહે છે કે, સોનાના રેટ વધવા છતાં દેશમાં દિવાળી દરમિયાન આશરે સાતથી નવ ટન સોનાના સિક્કા અને 30 ટન ઘરેણાં વેચાવાનું અનુમાન છે. એટલે કે આશરે રૂ. 14થી 15 હજાર કરોડનો બિઝનેસ થશે. જ્યારે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના એમડી સોમસુંદરમ પીઆરએ કહ્યું કે, લોકો સોનાના સિક્કા ખરીદવાને પ્રાથમિકતા આપી રહ્યા છે કારણ કે, કન્વર્ઝન ચાર્જ ઓછો છે. સિક્કાનું સૌથી વધુ વેચાણ પુષ્ય નક્ષત્ર અને ધનતેરસના દિવસે થાય છે. ઓછા વજનનાં ઘરેણાં જેમ કે, વીંટી, બુટ્ટીઓ અને મંગળસૂત્ર વગેરેની માંગ સૌથી વધુ છે.
કપડાં: 30થી 40 ટકા વેચાણ બ્રાન્ડેડ કપડાંનું
ક્લોથિંગ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ રાહુલ મહેતાએ જણાવ્યું કે દિવાળીનું બોનસ આવી જતાં અને તહેવારો નજીક હોવાથી હવે ખરીદી તેજ થઇ જશે. કપડાંના કુલ વેચાણમાં 90 ટકા હિસ્સેદારી રેડીમેડ કપડાંની હોય છે, જેમાંથી 30-40 ટકા વેચાણ બ્રાન્ડેડ કપડાંનું જ્યારે બાકી લેબલ્ડ કપડાંનું રહે છે. મહેતાના જણાવ્યાનુસાર દેશમાં કપડાંનું અંદાજે 6થી 6.5 લાખ કરોડ રૂ.નું માર્કેટ છે. ઓનલાઇન ભારે ડિસ્કાઉન્ટ છતાં દિવાળી પર 12-14 ટકા વેચાણ જ થાય છે. મતલબ કે અંદાજે 70 હજાર કરોડ રૂ.થી વધુનું વેચાણ થશે. દિવાળી પર ટ્રેડિશનલ કપડાંની માગ વધી જાય છે.
રોશની: 10-15% વધી ભારતીય લાઇટિંગની હિસ્સેદારી
દેશના સૌથી મોટા લાઇટિંગ માર્કેટ ભાગીરથ પેલેસ બજારમાં દેશભરમાંથી લાઇટિંગના ઓર્ડર આવી રહ્યા છે. દિલ્હી ઇલેક્ટ્રિકલ ટ્રેડર્સ એસોસિયેશનના અધ્યક્ષ ભરત અહૂજાએ જણાવ્યું કે દિવાળી પર સિરીઝ, દીવા, બલ્બ, એલઇડી અને ભગવાનની રોશનીવાળી મૂર્તિઓ સહિતના લાઇટિંગ સામાનની માગ છે. સંપૂર્ણપણે ચીનની આયાત પર ટકેલા આ બજારમાં આ વખતે ભારતીય લાઇટિંગની હિસ્સેદારી 10-15 ટકા વધી છે. વેપારી પ્રવીણ કુમાર રાણા કહે છે કે 35 મીટરની સિરીઝનો ભાવ 200થી 220 રૂ., 25 મીટરની એલઇડી સિરીઝનો ભાવ 600થી 900 રૂ. છે. લાઇટિંગવાળી મૂર્તિઓ 300 રૂ.થી માંડીને 600 રૂ. સુધીમાં વેચાઇ રહી છે. દેશમાં લાઇટિંગનું માર્કેટ અંદાજે 4-5 હજાર કરોડ રૂ.નું હોવાનો અંદાજ છે.