ઓરિસ્સાના ગંજમ જિલ્લામાં કડાપાડા ગામમાં 65 વર્ષીય મહિલાનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. કુમારી નાયક નામની મહિલાના પગમાં 19 અને હાથમાં 12 અંગૂઠા-આંગળીઓ છે. સામાન્ય આંગળીઓ કરતાં વધારે આંગળીઓ પોલિડેક્ટિલિઝ્મ બીમારીને લીધે છે. વિશેષજ્ઞો પ્રમાણે, ગર્ભમાં ઉછરી રહેલા શિશુમાં આવા અસામાન્ય બદલાવ છઠ્ઠા અને સાતમા અઠવાડિયે થાય છે. કુમારીના હાથ-પગમાં વધારે આંગળીઓ હોવાથી અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખતા લોકો તેનાથી ડરે છે.કુમારી નાયક હાથ-પગમાં કુલ 31 અંગુઠા-આંગળીઓ ધરાવતી દુનિયાની પ્રથમ મહિલા બની ગઈ છે. તેણે ગુજરાતના 47 વર્ષીય દેવેન્દ્ર સુથારનો રેકોર્ડ પણ તોડી દીધો છે. દેવેન્દ્રના હાથ-પગમાં 14-14 અંગુઠા અને આંગળીઓ છે. કુમારીએ જણાવ્યું કે, મારી આંગળીઓ-અંગુઠાની મેં અત્યાર સુધી કોઈ સારવાર કરાવી નથી.હું ગરીબ છું આથી દવાખાને જવા મારી પાસે રૂપિયા નથી. લોકો મને જોવે નહીં એટલે હું મોટાભાગે ઘરની અંદર જ રહું છું. કુમારીના પડોશીએ કહ્યું કે, અમે એક નાનકડા ગામમાં રહીએ છીએ. અહીંના લોકો અંધ વિશ્વાસમાં માને છે. આથી કુમારી કોઈની સામે આવતી નથી.