પાકિસ્તાનથી મુંબઈની તાજ હોટલને ઉડાડી દેવાની ધમકીભર્યો કોલ આવ્યો છે. તેને ગંભીરતાથી લઈ મુંબઈ પોલીસે હોટલની સુરક્ષા વધારી દીધી છે. દક્ષિણ મુંબઈ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવ્યો છે. ફોન પરની વ્યક્તિએ કહ્યું કે, “કરાચી સ્ટોક એક્સચેંજ પર થયેલા આતંકી હુમલો બધાએ જોયો. હવે તાજ હોટેલમાં 26/11 નો હુમલો ફરી એકવાર થશે.” માહિતી મળતાની સાથે જ મુંબઈ પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમે સમગ્ર હોટલની તપાસ કરી છે. હોટલની બહાર અને ગેટ વે ઓફ ઈન્ડિયાના વિસ્તારમાં સ્પેશિયલ ફોર્સ ‘મુંબઇ વન’ની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. અહીં આવતા મહેમાનો અને તેમની પ્રવૃત્તિઓ ઉપર નજર રાખવામાં આવી રહી છે. ફોન કરનાર વ્યક્તિએ તેનું નામ સુલ્તાન બતાવ્યું. આ સાથે પોતાનો વોટ્સએપ નંબર પણ હોટલ કર્મચારીને આપ્યો છે. પોલીસ હવે ફોન કરનારની ડિટેલ્સ કાઢી રહી છે.