નવી દિલ્હી : ચાઇનીઝ વિડીયો શેરિંગ અને સોશિયલ નેટવર્કિંગ એપ્લિકેશન ટિકટોક (TikTok) કોરોના રોગચાળા વચ્ચે ભારતમાં ડોકટરો અને મેડિકલ સ્ટાફ માટે 100 કરોડ રૂપિયાના તબીબી ઉપકરણોનું દાન કરશે. ટિકટોક ન્યૂઝ રૂમ મુજબ, તેમાં 4,00,000 હેઝમેટ સ્યુટ (રક્ષણાત્મક સુટ્સ) અને 2,00,000 માસ્ક હશે.
સોશિયલ નેટવર્ક સર્વિસ કહે છે કે, તે આ ઉપકરણોને આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયને આપવા માટે કાપડ મંત્રાલય સાથે મળીને કામ કરી રહ્યું છે. પોસ્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આવનારા સમયમાં કંપની દાન આપીને સરકારને મદદ કરવા તૈયાર છે.
ટિકટોકે એક નિવેદનમાં કોરોના રોગચાળા સમયે ડોકટરો અને તબીબી કર્મચારીઓનું મહત્વ હોવાનું જણાવ્યું છે. કંપનીએ કહ્યું છે કે, તેઓને વાયરસથી સૌથી વધુ જોખમ છે અને તેમના સંપર્કમાં આવવાની સંભાવના વધારે છે. તેમની સલામતી માટે, અમે ભારત સરકારને 4,00,000 હેઝમેટ મેડિકલ પ્રોટેક્ટીવ સુટ્સ દાનમાં આપી રહ્યા છીએ.