જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડા (BoB) એ ઇન્ટરઓપરેબલ કાર્ડલેસ કેશ ઉપાડ (ICCW) સુવિધા શરૂ કરી છે. આ અંતર્ગત ગ્રાહક UPIનો ઉપયોગ કરીને બેંકના ATMમાંથી રોકડ ઉપાડી શકે છે. બેંક UPI દ્વારા ATM રોકડ ઉપાડની સુવિધા આપનારી પ્રથમ જાહેર ક્ષેત્રની બેંક છે.
બેંકે કહ્યું કે તેની ICCW સુવિધાનો લાભ લઈને તેના ગ્રાહકો BHIM UPI સાથે, અન્ય UPI એપ્લિકેશનનો ઉપયોગ કરીને અન્ય સહભાગી બેંકોના ગ્રાહકો પણ ATMમાંથી રોકડ ઉપાડી શકશે. બેંક ઓફ બરોડાના એટીએમમાંથી રોકડ ઉપાડવા માટે ગ્રાહકોને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવાની જરૂર રહેશે નહીં.
કેવી રીતે કામ કરશે:
આ સેવાનો લાભ લેવા માટે, ગ્રાહકે બેંક ઓફ બરોડાના ATM પર ‘UPI કેશ ઉપાડ’ વિકલ્પ પસંદ કરવો પડશે. પછી ઉપાડવાની રકમ દાખલ કર્યા પછી, ATMની સ્ક્રીન પર એક QR કોડ દેખાશે. વ્યવહારને અધિકૃત કરવા માટે ICCW માટે અધિકૃત UPI એપનો ઉપયોગ કરીને આ કોડ સ્કેન કરવાનો રહેશે.
રૂ. 5000 સુધીની મર્યાદા:
બેંકના ચીફ ડિજિટલ ઓફિસર અખિલ હાંડાએ જણાવ્યું હતું કે ICCW સેવાની રજૂઆતથી ગ્રાહકોને કાર્ડનો ઉપયોગ કર્યા વિના રોકડ ઉપાડવાની સ્વતંત્રતા મળશે. બેંક ઓફ બરોડાના એટીએમમાં ગ્રાહકો એક દિવસમાં બે વ્યવહારો કરી શકે છે અને એક સમયે વધુમાં વધુ રૂ. 5,000 ઉપાડી શકાય છે.