ગોવાનું એક સુંદર ગામ પર્રા પ્રવાસીઓ માટે ખૂબજ લોકપ્રિય છે, પરંતુ આ ગામ ચર્ચામાં પણ છવાયેલું છે. કારણકે ગામમાં ફોટો પાડવા પર રૂપિયા 500 નો દંડ ફટકારવામાં આવે છે. સામાન્ય રીતે કોઇ ખાસ જગ્યાએ ફોટો પાડવા પર પ્રતિબંધ હોય છે, તો પર્રા ગામની પંચાયતે ફોટો પાડવા પર પ્રવાસીઓ પાસેથી રૂપિયા 500 નો ટેક્સ લેવાનો નિર્ણય લીધો છે.
પર્રા ગામ ગોવાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર પરિકરનું પૈતૃક ગામ છે, અહીં ખૂબજ સુંદર લેન્ડસ્કેપ છે, જ્યાં બોલિવૂડ અને ઈન્ટરનેશનલ ફિલ્મોનું શૂટિંગ પણ થયું છે. શાહરૂખ ખાન અને આલિયા ભટ્ટની ફિલ્મ ડિયર જિંદગીના કેટલાક સીન આ જ ગામમાં શૂટ કરવામાં આવ્યા હતા. અહીં ઘણા પ્રવાસીઓ આવે છે. ગામની પંચાયતે હવે ફોટોગ્રાફી ટેક્સ (સ્વચ્છતા ટેક્સ) અંતર્ગત ગામમાં ફોટો પાડવા કે વીડિયો શૂટ કરવા પર દંડ લેવાનું નક્કી કર્યું છે.
સ્થાનીક લોકોએ આ ટેક્સનો વિરોધ કર્યો છે, ANIના એક રિપોર્ટ અનુસાર, પર્રાના સ્થાનીક રહેવાસી પૉલ ફર્નાડિઝે કોઇ પ્રવાસી પર 500 રૂપિયા દંડ લગાવવાનો વીડિયો રેકોર્ડ કરી લીધો હતો, જે વાયરલ થઈ ગયો. ફર્નાડિઝે કહ્યું કે, એક ફોટો પાડવા પર 500 રૂપિયાનો દંડ વસૂલવો ખોટું છે.
પર્રા પંચાયતના પૂર્વ સરપંચ બેનેડિક્ટ ડિસૂઝાના જણાવ્યા અનુસાર આ ટેક્સ દ્વારા ગામની પંચાયત પ્રવાસીઓનું શોષણ કરી રહી છે. કોઇપણ કૉમર્શિયલ શૂટ માટે પંચાયત પૈસા લઈ શકે છે, પરંતુ કોઇ વ્યક્તિ પાસેથી નથી. પ્રવાસીઓ આવવાથી સ્થાનીક લોકો અને સરકાર બંનેને ફાયદો થાય છે. આવા નિયમોથી અહીંના પ્રવાસનમાં ઘટાડો થઈ શકે છે.