નવી દિલ્હી : ટોયોટા કિર્લોસ્કર મોટર (ટીકેએમ) એ 17 સપ્ટેમ્બર, ગુરુવારે કહ્યું કે તે ભારતીય બજાર અને તેના રાષ્ટ્રીય ઉદ્દેશો માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. ઇનોવા અને ફોર્ચ્યુનર જેવા મોડલોનું વેચાણ કરનારી ઓટો ઉત્પાદક કંપનીએ કહ્યું કે તેને ભારતની આર્થિક વૃદ્ધિની સંભાવના પર પૂરો વિશ્વાસ છે અને તે આ દિશામાં ફાળો આપવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.
આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે એવું કહેવામાં આવ્યું હતું કે કંપની ભારતમાં વિસ્તરણ બંધ કરશે. તમને જણાવી દઈએ કે ટીકેએમના વાઇસ ચેરમેન વિશ્વનાથન શેખરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, કંપની ભારતમાં તેના વિસ્તરણને અટકાવશે. તેમણે ભાવિ રોકાણોને પણ નકારી કાઢતા કહ્યું હતું કે, ભારતમાં કાર અને મોટર સાયકલ પરનો ટેક્સ એટલો વધારે છે કે કંપની માટે આગળ વધવું મુશ્કેલ છે.
શું કહ્યું કંપનીના એમડી
ટીકેએમના એમડી માસાકાજુ યોશીમુરાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપનીએ ‘સ્કીલ ઈન્ડિયા’ અને ‘મેક ઇન ઈન્ડિયા’ જેવી પહેલને અનુલક્ષીને વર્લ્ડ ક્લાસ પ્રતિભા બનાવવા માટે રોકાણ કર્યું છે અને સ્થાનિક સપ્લાયરોના વિકાસ માટે સખત મહેનત કરી છે. તેમણે કહ્યું કે ભારતમાં કંપનીની કામગીરી તેની લાંબા ગાળાની વૈશ્વિક વ્યૂહરચનાનો એક ભાગ છે.
યોશીમુરાએ કહ્યું, “આ પ્રયત્નો અંતર્ગત, ટોયોટા ગ્રુપ આગામી વર્ષોમાં ઘરેલું અને નિકાસ બજારોમાં ભારતમાં રૂ .2000 કરોડથી વધુનું રોકાણ કરશે.”