મુંબઈ સહિત થાણે-પાલઘરમાં મુશળધાર વરસાદને કારણે સોમવારે સવારે રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા હતા, પરિણામે મુંબઈ અમદાવાદ વચ્ચેની લાંબા અંતરની મેલ-એક્સ્પ્રેસ ટ્રેનોનો ટ્રેનવ્યવહાર ખોરવતા હજારો પ્રવાસીઓ અનેક સ્ટેશનો પર રઝળી પડ્યા હતા.
ભારે વરસાદના કારણે 54 ફ્લાઈટને કેન્સલ કરવામાં આવી છે. જ્યારે મહારષ્ટ્ર સરકારે આજે સ્કૂલ-કોલેજોમાં રજા જાહેરકરી થે,આ ઉપરાંત સરકારી ઓફીસો પણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
રવિવારે મોડી રાતથી લઈને સોમવારે બપોર સુધીમાં પડેલા ભારે વરસાદને કારણે શહેરમાંથી લઈને પાલઘર નજીકના ગામડા તથા રેલવે ટ્રેકો પર પાણી ફરી વળતા સબર્બન સહિત લાંબા અંતરની મેલ એક્સ્પ્રેસ ટ્રેનસેવાને બંધ કરવાની ફરજ પડી હતી. એક અંદાજ પ્રમાણે છેલ્લા ત્રણ દિવસમાં વિરારમાં 24 ઈંચ સહિત પાલઘરમાં સોમવારે એક કલાકમાં ચાર ઈંચ સહિત કુલ 14 ઈંચ વરસાદ નોંધાયો હતો, પરિણામે વહેલી સવારથી લઈને બપોરની અપ એન્ડ ડાઉન લાઈનની મેલ-એક્સ્પ્રેસ ટ્રેનો ખોટકાઈ હતી, જ્યારે સબર્બનની ટ્રેનસેવાને પણ અસર થઈ હતી.
સોમવારે સાંજ સુધીમાં મેમુ ટ્રેન સહિત કુલ 14 ટ્રેન રદ કરી હતી, જ્યારે 15 જેટલી ટ્રેનોને શોર્ટ-ટર્મિનેટ કરવામાં આવી હતી. બપોર પછી વરસાદના પાણી ઓસરવાને કારણે ધીમે ધીમે ટ્રેનવ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો. સોમવારે બાંદ્રા-સુરત ઈન્ટરસિટી, બોરીવલી સુરત મેમુ, વસઈ રોડ-બોઈસર-વસઈ રોડ ડેમુ, વલસાડ-વાપી સ્પેશિયલ ટ્રેન, મુંબઈ સેન્ટ્રલ-વલસાડ ફાસ્ટ પેસેન્જર, મુંબઈ સેન્ટ્રલ-સુરત ફ્લાઈંગ રાની, સુરત-બાંદ્રા ટર્મિનસ ઈન્ટરસિટી, દહાણુ રોડ-પનવેલ મેમુ, વસઈ રોડ-દિવા ડેમુ વગેરે રદ કરવામાં આવી હતી.
સુરત-મુંબઈ સેન્ટ્રલ ફ્લાઈંગ રાનીને નવસારીથી ટર્મિનેટ કરી હતી, જ્યારે ભુસાવળ-બાંદ્રા ટર્મિનસને બોઈસર, સુરત-વિરારને બિલિમોરા, વલસાડ-મુંબઈ સેન્ટ્રલને ઉદવાડા, જામનગર-સુરત ટ્રેનને વડોદરા, અમદવાદ-મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સ્પ્રેસને બોરીવલીથી ટર્મિનેટ કરવામાં આવી હતી, જ્યારે બોરીવલીથી ઉપાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉપરાંત, બાંદ્રા ટર્મિનસ-શ્રી વૈષ્ણોદેવી કટરા, મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ શતાબ્દી એક્સ્પ્રેસ, મુંબઈ સેન્ટ્રલ-ફિરોઝપુર જનતા એક્સ્પ્રેસ સહિત મુંબઈ સેન્ટ્રલ-હઝરત નિઝામુદ્દીન ઑગસ્ટ ક્રાંતિ રાજધાની એક્સ્પ્રેસના નિર્ધારિત શિડ્યુલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.ઉ