ઉદયપુરમાં એક યુવતીએ તેની છેડતી કરનાર વ્યક્તિને માર માર્યો હતો. થપ્પડ, લાતો અને ચપ્પલથી આ માણસને બચવાનો કોઈ મોકો નહોતો મળ્યો. રસ્તા પર ભીડમાં ઉભેલા લોકો આ તમાશો જોતા જ રહ્યા. થોડા સમય પછી લોકોએ જાતે જ યુવતીને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે કોઈની વાત ન સાંભળી. બાદમાં લોકોએ યુવતીના વખાણ પણ કર્યા. આ અંગે કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી.
ઉદયપુરમાં બુધવારે સાંજે આ ઘટના સૂરજપોલ પોલીસ સ્ટેશન વિસ્તારની જણાવવામાં આવી રહી છે. સાંજે ચાર વાગ્યાની આસપાસ એક વિદ્યાર્થીનીએ અચાનક આધેડ દેખાતા એક વ્યક્તિને માર મારવાનું શરૂ કર્યું હતું. પહેલા તો લોકોને કંઈ સમજાયું નહીં, પરંતુ જ્યારે લોકોએ યુવતીને પૂછ્યું તો તેણે જણાવ્યું કે તે કોલેજથી ઘરે પરત ફરી રહી હતી, ત્યારે જ આ વ્યક્તિએ છેડતી કરતા કિસ કરવાનો પ્રયાસ કર્યો.
યુવતીએ વિરોધ કર્યો તો આરોપી ડરીને ભાગવા લાગ્યો. યુવતીએ તેને મ્યુનિસિપલ કોર્પોરેશનની પાછળના રસ્તા પર પકડી લીધો અને માર મારવા લાગ્યો. રસ્તા પર આ હંગામો જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.
એકઠા થયેલા લોકોએ આરોપીને પૂછ્યું કે તે કોણ છે પરંતુ તે જવાબ આપી શક્યો નહીં. ખૂબ માર માર્યા બાદ જ્યારે આ વ્યક્તિએ જાહેરમાં માફી માંગી તો યુવતીએ તેને છોડી દીધો. એવું કહેવામાં આવી રહ્યું છે કે વ્યક્તિ દારૂના નશામાં હતો. યુવતી લગભગ દસ મિનિટ સુધી તેને મારતી રહી. આ દરમિયાન કોઈએ તેનો વીડિયો બનાવીને વાયરલ કરી દીધો હતો. માફી માંગ્યા બાદ યુવતી કેસ નોંધ્યા વગર જતી રહી.