બંગાળની ખાડીમાં પવનના ઓછા પ્રેશરને કારણે ચક્રવાતી તોફાન તિતલી કમજોર થતાં ભારતના કાંઠા વિસ્તારના રાજ્યો ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ અને પ.શ્ચિમ બંગાળને રાહત મળી છે. પરંતુ ઓમાનના કિનારા પર લુબાન નામનું તોફાન સક્રીય થયું છે. હવામાન ખાતું આના પર નજર રાખી રહ્યું છે.
હવામાન ખાતાના અધિકારીઓનું માનવું છે કે હિંદ મહાસાગરમાં એક જ ગતિઓ બે ચક્રવાતી તોફાન સક્રીય થયા છે જે દુર્લભ છે. હવામાન ખાતાના વૈજ્ઞાનિક મૃત્યુંજય મહાપાત્રએ કહ્યું કે ભારતમાં હાલ તો તિતલીની અસર જોવા મળી રહી છે. લુબાનનું ચક્રવાત ભારતીય તટથી 500 કિમી દુર છે અને ભારતના બદલે ઉત્તર-પશ્ચિમની દિશા તરફ આગળ વધી રહ્યું છે. તિતલી તોફાનનું નામ પાકિસ્તાને અને લુબાનનું નામ ઓમાને રાખ્યું છે.
તેમણે કહ્યું કે દરિયામાં લુબાનની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આગામી ચાર દિવસ સુધી લુબાન સક્રીય રહેશે. તિતલીનું ચક્રવાત ભારતીય તટથી પસાર થઈ ગયું છે. આગામી બે દિવસમાં સ્થિતિ રાબેતા મુજબની થઈ જશે.
લુબાનની સક્રીયતાના કારણે દ.ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં એલર્ટની સ્થિતિ સર્જાઈ છે. અગમચેતીના તમામ પગલા ભરવાની તૈયારી કરવામાં આવી છે. લુબાનની અસર દ.ગુજરાત પર પડશે અને ઝરમર વરસાદની શક્યતા જોવા મળી રહી છે.