સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં ગાયોની અવદશા જોઇ બે વ્યક્તિઓએ તંત્ર સામે બાંયો ચઢાવી છે.ડાકોર બસ સ્ટેન્ડ પાસે ઇજા પામેલી ગાય છેલ્લાં કેટલાંય દિવસથી પડેલી છે. જેની જાણ પાલિકાને કરવામાં આવી હતી.તેમ છતાં આજે સવાર સુધી કોઇ સારવાર કરવામાં ન આવતા બે વ્યક્તિઓ નાછૂટકે ભૂખ હડતાલ પર બેઠા હતા અને તરત જ પાલિકાવાળા આવીને ઇજાગ્રસ્ત ગાયને લઇ ગયા હતા.
ડાકોર બસસ્ટેન્ડમાં ગંભીર રીતે ઘાયલ થયેલી બે ગાયો જોવા મળી હતી.જેથી શહેરના જાગૃત નાગરિકોએ આ અંગે ડાકોર પાલિકાને જાણ કરી હતી.પરંતુ જાણ કરવા છતા પાલિકા દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી.જેથી રોષે ભરાયેલા સ્થાનિકો બસસ્ટેન્ડ પાસે ભૂખ હડતાલ પર બેસી ગયા હતા.
ડાકોરના ધુ્રતી મહંત અને વિપુલભાઇ પટેલ ભૂખ હડતાલ પર બેઠા હોવાની જાણ તંત્રને થતા તંત્ર હરકતમાં આવ્યુ હતુ.અને તાત્કાલિક અસરથી ઇજા પામેલ ગાયને બસ સ્ટેન્ડમાંથી લઇ જવાની કામગીરી આરંભી હતી.
જ્યાંથી ગાયોને પાંજરાપોળમાં લઇ જવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.પાલિકાની અણઆવડતાના કારણે ઠાકોરજીના ગામમાં ગાયોની અવદશા જોવા મળતા લોકોમાં રોષ વ્યાપ્યો હતો.
સ્થાનિકો શું કહે છે
આ અંગે સ્થાનિકોએ જણાવ્યુ હતુ કે પાલિકાના ચીફઓફિસરને આવી ઘટનાઓ અંગે જાણ કરવામાં આવે છે છતા યોગ્ય પગલા લેવામાં આવતા નથી.બે વ્યક્તિઓ જો ભૂખ હડતાલ પર બેઠા ન હોત તો આજે પણ આ ગાયને પાલિકાએ હટાવી ન હોત તેમ રોષ પૂર્વક જણાવ્યુ હતુ.