બીજા વિશ્વ યુદ્ધને પૂર્ણ થયાને 75 વર્ષ થવા આવ્યા છે પરંતુ હજી પણ તે વખતના બોમ્બ લોકોનો ભોગ લઈ રહ્યા છે. તાજેતરમાં જ યુરોપીયન દેશ પોલેન્ડમાં જ આવી એક ઘટના ઘટી હતી. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ફેંકવામાં આવેલા એક બોમ્બને ડિફ્યૂઝ કરતી વખતે તેમાં બ્લાસ્ટ થતા બે જવાન શહીદ થઈ ગયા છે તેમજ બે જવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
ડિફેન્સ મિનિસ્ટર મારિઉસ બ્લાસ્જજાકના જણાવ્યા અનુસાર આ બોમ્બ બ્લાસ્ટ એ વખતે થયો હતો જ્યારે જવાનો તેને ડિફ્યુઝ કરવા માટેની મથામણ કરી રહ્યા હતા. આ દુર્ઘટના પોલેન્ડના કુજનિયા રાસિબોર્સકા પાસેના જંગલમાં ઘટી હતી. દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા જવાનોને સારવાર માટે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર થોડા દિવસ પહેલા જ જંગલમાંથી સ્થાનિક લોકોને રસ્તા પરથી કેટલાક હથિયાર અને બોમ્બ મળી આવ્યા હતા. જેથી એક ટીમ બનાવીને આ બોમ્બને ડિફ્યુઝ કરવા માટે મોકલવામાં આવ્યા હતા.