ભગવાન રામની નગરી અયોધ્યામાં આજે ત્રીજો દીપોત્સવ આયોજીત થઇ રહ્યો છે. જેના કારણે આખી નગરી દીવડાઓથી ઝગમગી રહી છે. મુખ્ય સ્થળોને આજે પાંચ લાખથી વધારે દીપથી શણગારવામાં આવ્યા છે. આ અવસરે ભારતના અલગ-અલગ પ્રદેશોમાંથી અહી આવેલી રામલીલા સમિતિઓ દ્વારા ભગવાન શ્રીરામ અને રામાયણના અગિયાર પ્રસંગો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. દીપોત્સવની શોભા વધારવા માટે આયોજીત આ કાર્યક્રમો પાછળ ભગવાનના ચરિત્રને દરેક જણ સુધી પહોંચાડવાનો પ્રયત્ન માનવામાં આવી રહ્યો છે.
દીપોત્સવમાં સામેલ થવા માટે અયોધ્યા આવેલા સીએમ યોગીએ કાર્યક્રમને સંબોધન કર્યુ હતું. તેમણે જણાવ્યું કે રામની પરંપરા પર સૌનો ગર્વની અનુભૂતિ છે. તેમણે જણાવ્યું કે, મોદી સરકાર કોઇપણ ભેદભાવ વગર સૌનો વિકાસ સાધી રહી છે. ગત સરકારો અયોધ્યાના નામથી ડરતી હતી. પીએમ મોદીએ રામરાજ્યની ધારણાને સાકાર કરી છે. મોદીજીએ ભારતની પરંપરાને વિશ્વપટલ પર રાખી. ભારત દુનિયામાં વિશ્વગુરુ તરીકે સ્થાપિત થઇ રહ્યો છે. આ દરમિયાન તેમણે જણાવ્યું કે ભારત કોઇને છંછેડતો નથી, પરંતુ કોઇ છંછેડે તો તેને છોડતો નથી. દીપોત્સવના કાર્યક્રમમાં સીએમ યોગી સિવાય રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ સામેલ થયા હતા.