સરકારે 2019મા ઈલેક્ટ્રોનિક સિગારેટ ઓર્ડિનન્સ જાહેર કર્યો હતો અને તે અંતર્ગત ઈલેક્ટ્રોનિક સિગારેટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો અને જે અંતર્ગત યુજીસી દ્વારા તમામ યુનિ.ઓને કેમ્પસમાં ઈ-સીગારેટ પર પ્રતિબંધ મુકવા આદેશ કરવામાં આવ્યો છે.ઉપરાંત વિદ્યાર્થીઓને ઈ-સિગારેટથી આરોગ્યને થતી ગંભીર અસરો અંગે જાગૃત કરવા સૂચના આપવામાં આવી છે. દેશના યુવાનોમાં વધી રહેલ ઈલેક્ટ્રોનિક સિગારેટના ચલણને લઈને ભારત સરકારે ઈલેક્ટ્રોનિક સિગારેટ પર બેન મુકી દીધો છે.ઈલેક્ટ્રોનિક સિગારેટથી કાર્ડિયાક સંબંધીત ગંભીર બિમારી થવા સાથે શ્વાસનળીઓ અને ફેફસાને પણ તકલીફ થાય છે અને મગજને પણ નુકશાન થાય છે. ઈલેક્ટ્રોનિક સિગારેટથી શરીરના વિવિધ અંગોને થતી ગંભીર અસરો અને આરોગ્યપ્રદ અસરોને લઈને ભારત સરકારે 2019માં પ્રતિબંધ મુકતુ ઓર્ડિનન્સ પણ જાહેર કર્યુ હતુ.પરંતુ તેમ છતાં તેનું બેફામ વેચાણ થાય છે અને ખાસ કરીને ઓનલાઈન વેચાણ થાય છે.
ઉપરાંત ઈસિગારેટની અવનવી ડિઝાઈન અને સ્ટાઈલથી યુવાનો તેનાથી ખૂબ જ આકર્ષિત થાય છે.જેથી યુવાનો તેની લતમાં ન ચડે તેમજ ખાસ કરીને યુનિ.કોલેજોના વિદ્યાર્થીઓ કેમ્પસમાં તેનો ઉપયોગ ન કરે તેને લઈને યુજીસી દ્વારા તમામ યુનિ.ઓને આ મુદ્દે પરિપત્ર કરવામા આવ્યો છે. જેમાં તમામ યુનિ.ઓને સૂચના આપવામાં આવી છે કે ઈલેક્ટ્રોનિક સિગારેટથી થતી નુકશાનકારક અસરો અને આરોગ્ય સંબંધીત તમામ જાણકારીઓ વિદ્યાર્થીઓને આપીને આ બાબતે તેઓને જાગૃત કરવામા આવે. ઉપરાંત તમામ શૈક્ષણિક સંસ્થાઓના સંપૂર્ણ કેમ્પસમાં ઈલેક્ટ્રોનિક સિગારેટ પર કડક પ્રતિબંધ મુકવામા આવે. યુજીસી દ્વારા તમામ યુનિ.ઓના કુલપતિઓને પરિપત્ર કરી કોલેજોને પણ આ સંદર્ભે સૂચના આપવા આદેશ કરવામા આવ્યો છે.