Wagah Border Disputeપાકિસ્તાને પોતાના નાગરિકોને પાછા લેવાનો ઇનકાર કરતા ઘર્ષણ ઊભું થયું
Wagah Border Dispute અટારી-વાઘા બોર્ડર પર આજે સવારે એક ગંભીર રાજદ્વારી ઘર્ષણ જોવા મળ્યું, જ્યાં પાકિસ્તાને ભારતમાંથી પાછા ફરતા પોતાના નાગરિકોને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. ભારતીય ઇમિગ્રેશન અધિકારીઓ અનુસાર, આજે સવારે 8 વાગ્યાથી પાકિસ્તાને રિસીવિંગ પોઈન્ટ બંધ કરી દીધું છે, જેના કારણે 30થી વધુ નાગરિકો, જેમાં મહિલાઓ, વૃદ્ધો અને બાળકોનો સમાવેશ થાય છે, સરહદ પર ફસાઈ ગયા છે.
પાકિસ્તાની નાગરિકો કોઈ આશરો કે ખોરાક વગર મુશ્કેલીમાં છે. સુરક્ષા એજન્સીઓએ સ્થિતિને ધ્યાને રાખીને બોર્ડર પર સુરક્ષા વધારી છે. આ પગલાંની સોશિયલ મીડિયા પર કડક ટીકા થઈ રહી છે અને લોકો પાકિસ્તાનના આવા વર્તનને અનૈતિક અને શરમજનક ગણાવી રહ્યા છે.
ભારતનું સહાનુભૂતિભર્યું વલણ
આ ઘટના છતાં ભારતે પોતાના માનવાધિકારવાદી વલણને યથાવત રાખ્યું છે. ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાની નાગરિકોને પરત ફરવા માટે મંજૂરી આપવામાં આવશે અને સરહદ હાલ માટે ખુલ્લી રહેશે. નોંધનીય છે કે અગાઉ ભારતે 30 એપ્રિલથી સરહદ બંધ કરવાનો નિર્ણય લીધો હતો, પણ હાલ આ નિર્ણય પાછો ખેંચાયો છે.
પહેલગામ હુમલાના પછડછાયા
22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા હતા. આ હુમલાની જવાબદારી સરહદપારના આતંકવાદી તત્વો પર મૂકવામાં આવી હતી. ત્યારપછી ભારતે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું છે, જેમાં પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવાનો પણ સમાવેશ થાય છે.
દ્વિપક્ષીય પરિવહન પર અસર
છેલ્લા એક અઠવાડિયામાં 800થી વધુ પાકિસ્તાની નાગરિકો ભારત છોડીને ગયા છે, જેમાં 55 રાજદ્વારી અને તેમનો સ્ટાફ પણ સામેલ છે. સાથે જ, લગભગ 1,500 ભારતીય નાગરિકો પણ પાકિસ્તાનમાંથી પરત ફર્યા છે. કેન્દ્ર ગૃહમંત્રાલયે રાજ્યોને સૂચના આપી છે કે કોઈ પણ પાકિસ્તાની નાગરિક વિઝાની મર્યાદા પૂરતી જ રહે, અને ગેરકાયદેસર વિઝા લંબાવા પર કાર્યવાહી કરવામાં આવે.