Waqf Bill: વકફ બિલનો JPC રિપોર્ટ રાજ્યસભામાં રજૂ, ખડગેએ કહ્યું, “નકલી રિપોર્ટ રજૂ કરાયો”
Waqf Bill: વકફ (સુધારા) બિલ, 2024 પર સંયુક્ત સંસદીય સમિતિનો અહેવાલ આજે સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ 600 પાનાનો અહેવાલ પ્રથમ વખત રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તરત જ હોબાળો શરૂ થયો હતો. વિપક્ષના સાંસદોએ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા, જેના કારણે ગૃહની કાર્યવાહી થોડીવાર માટે સ્થગિત કરવામાં આવી. આ અહેવાલ ભાજપના સાંસદ સંજય જયસ્વાલ અને સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલે કર્યો હતો.
વકફ (સુધારા) બિલનો ઉદ્દેશ વકફ અધિનિયમ, 1995માં સુધારો કરીને વકફ મિલકતોના સંચાલન અને નિયમન સંબંધિત મુદ્દાઓને ઉકેલવાનો છે. વિપક્ષી સાંસદોનો આરોપ છે કે આ બિલ મુસ્લિમ સમુદાયની ધાર્મિક બાબતોમાં દખલ કરવાનો પ્રયાસ કરે છે અને વક્ફ બોર્ડને નુકસાન પહોંચાડે તેવી શક્યતા છે.
કમિટિનો રિપોર્ટ 30 જાન્યુઆરીએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને સુપરત કરવામાં આવ્યો હતો અને તે આજે લોકસભામાં પણ રજૂ કરવાનો હતો. પરંતુ, રિપોર્ટ રજૂ થતાની સાથે જ વિપક્ષી સાંસદોએ તેને ગેરબંધારણીય ગણાવીને વિરોધ શરૂ કર્યો હતો. જેના કારણે લોકસભાની કાર્યવાહી પણ બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
વિપક્ષનો વિરોધઃ
વિરોધ પક્ષોએ વકફ બિલની વિવિધ કલમો સામે વાંધો ઉઠાવ્યો છે, ખાસ કરીને એવી જોગવાઈઓ કે જે મુસ્લિમ ધાર્મિક બાબતોમાં સરકારની દખલગીરીની શક્યતા વધારે છે. તેમનું કહેવું છે કે આ બિલ મુસ્લિમ સમુદાયની ધાર્મિક સ્વતંત્રતા પર પ્રતિકૂળ અસર કરી શકે છે અને વકફ મિલકતોના સંચાલનમાં પારદર્શિતા અને જવાબદારીના નામે ધાર્મિક સંસ્થાઓની સ્વતંત્રતાને મર્યાદિત કરી શકે છે.મુસ્લિમો વિરુદ્ધ નફરતનું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે: ઈમરાન મસૂદ
કોંગ્રેસના સાંસદ ઈમરાન મસૂદે આ બિલ સામે તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મુસ્લિમો વિરુદ્ધ નફરતનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર આ બિલ દ્વારા મુસ્લિમોને નિશાન બનાવી રહી છે અને તેમના અધિકારોનું ઉલ્લંઘન કરી રહી છે.
આ સિવાય કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ પણ આ બિલને બંધારણ વિરુદ્ધ ગણાવ્યું હતું. તેમણે કહ્યું, “અમે આ બિલના વિરોધમાં છીએ. આ બિલ બંધારણ હેઠળ અમને મળેલા અધિકારોની વિરુદ્ધ છે. આ બિલ ઈતિહાસમાં કાળા અક્ષરે લખવામાં આવશે. પ્રતાપગઢીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે સરકારે તેમની અને અન્ય વિપક્ષી નેતાઓની અસંમતિ નોંધો કાઢી નાખી છે જેઓ બિલની વિરુદ્ધ હતા. તેમણે કહ્યું, “લઘુમતીઓને નિશાન બનાવવો તેમનો એજન્ડા છે.”ભાજપ અને સમિતિની પ્રતિક્રિયા
બીજેપી સાંસદોનું કહેવું છે કે આ બિલનો ઉદ્દેશ વકફ પ્રોપર્ટીના મેનેજમેન્ટમાં સુધારો કરવાનો છે અને તેમાં પ્રસ્તાવિત સુધારા આ પ્રોપર્ટીના વધુ સારા ઉપયોગની દિશામાં એક પગલું છે. સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલે જણાવ્યું હતું કે આ બિલ વકફ પ્રોપર્ટીમાં પારદર્શિતા અને જવાબદારી લાવશે અને તેનો હેતુ સમાજના તમામ વર્ગોના હિતમાં કામ કરવાનો છે.