નવી દિલ્હી : દુનિયાની સાત અજાયબીઓ ઇજિપ્તીયન પિરામિડ, પોરિસનો એફિલ ટાવર, પીસાનો લીનિંગ ટાવર, આગરાનો તાજ મહેલ, બ્રાઝીલનું ક્રાઈસ્ટ સ્ટેચ્યુ, ઈટલીની કોલેજીયમ અને અમેરિકાનું સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને જોવાનું સપનું દરેક વ્યક્તિનું હોય છે. ખુબ ઓછા લોકો એવા હોય છે તેનો નજારો માણી શકે છે. પરંતુ હવે તમે આ સાત અજાયબીઓ કોઈપણ વિઝા કે પાસપોર્ટ વગર જ જોઈ શકો છો. જીહા, આ સાત અજાયબી નિહાળવા માટે તમારે માત્ર વેસ્ટ ટુ વન્ડર પાર્કની મુલાકાત લેવી પડશે. હકીકતમાં, દિલ્હીમાં વેસ્ટ ટુ વન્ડર પાર્ક બનાવવામાં આવ્યો છે. તેને સત્તાવાર રીતે ખુલ્લો પણ મુકવામાં આવ્યો છે. આ પાર્કમાં સાત અજાયબીઓની પ્રતિકૃતિઓ બનાવવામાં આવી છે.
દિલ્હીમાં સરાય કાલેખા આંતરરાજ્ય બસ સ્ટેશનની પાસે આ વેસ્ટ ટુ વન્ડર પાર્ક બનાવવવામાં આવ્યો છે. ખાસ બાબત એ છે કે, સાતેય અજાયબીઓની પ્રતિકૃતિ ભંગાર (નકામા લોખંડના જથ્થા)માંથી બનાવવામાં આવી છે. આ સાત અજાયબીઓ બનાવવા માટે, 150 ટન સ્ક્રેપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 70 વેલ્ડર, પાંચ કલાકારો ની મદદ સાથે 7 સહાયક કલાકારોએ 180 દિવસમાં સાત અજાયબીઓની પ્રતિકૃતિઓની રચના કરી છે. આ પાર્કમાં વીજળી પુરી પાડવા માટે 5 કિલોવોટના 3 સોલાર ટ્રી અને 10 કિલોવોટનો સોલાર રૂફ બનાવવામાં આવ્યું છે. આ પાર્કમાં બનાવેલી પ્રતિકૃતિઓ જોઈને, વાસ્તવિક સાત અજાયબીઓનો અનુભવ થાય છે.
દક્ષિણ દિલ્હી મહાનગરપાલિકા અધિકારીઓના કહેવા પ્રમાણે, આ પાર્કને બનાવવામાં જે વસ્તુનો ઉપયોગ થયો છે તેમાં જૂની કાર્સ, મોટર સાઇકલ્સના સ્પેર પાર્ટસ, સાઇકલ્સની ચેઇન, લોખંડના પાઇપ વગેરે સામેલ છે. અધિકારીઓએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, આ પાર્ક દિવસમાં જેટલો સુંદર દેખાય છે અને રાતના સમયે તેના પર ગોઠવવામાં આવેલી રંગીન લાઇટ્સ તેની શોભામાં વધુ વધારો કરે છે.
દક્ષિણ દિલ્હી મહાનગરપાલિકાનું કહેવું છે કે, પાર્ક વિશ્વની સાત અજાયબીઓ જોવા માટે આવતા લોકો પાસેથી સામાન્ય ફી લેવામાં આવશે. તેનું કારણ એ છે કે, એન્ટ્રી ફી વગર લોકોને સંભાળવા મુશ્કેલ થઇ જશે. અધિકારીઓના કહેવા પ્રમાણે, એન્ટ્રી ફી લેવામાં આવે તો દર્શકો માટે જાહેર સુવિધાઓ, બાળકો માટે પ્લે ગ્રાઉન્ડ અને ખાવા – પીવાના સમાન માટે સ્પેસ વિકસવામાં આવશે. સાત અજયાબીની પ્રતિકૃતિ ધરાવતા આ પાર્કની હાલના દિવસોમાં ચોતરફ ચર્ચા સાંભળવા મળી રહી છે.