WAVES 2025: “મિડિયા અને મનોરંજન ઉદ્યોગ $100 બિલિયન સુધી પહોંચશે” – મુકેશ અંબાણી
મુંબઈમાં યોજાઈ રહેલી WAVES 2025 સમિટના પ્રથમ દિવસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું કે ભારતનો મીડિયા અને મનોરંજન ઉદ્યોગ આગામી દાયકામાં ત્રણગણો વધી US$100 બિલિયન સુધી પહોંચી શકે છે. હાલમાં આ ઉદ્યોગ US$28 બિલિયનના આંકે છે, અને તેમના મતે, અગ્રણી ડિજિટલ રાષ્ટ્ર બનતા ભારત માટે આ વૃદ્ધિ શક્ય છે.
મુકેશ અંબાણીએ જણાવ્યુ કે વાર્તાકથન અને ટેકનોલોજીના મિશ્રણથી ભારતીય મનોરંજન ઉદ્યોગ વૈશ્વિક મંચ પર દ્રષ્ટિઆકર્ષક બન્યો છે. “ડિજિટલ પ્લેટફોર્મ્સ, AI અને ઇમર્સિવ ટેક્નોલોજી storytelling ને વધુ મજબૂત અને પહોચદાર બનાવી રહી છે,” તેમણે ઉમેર્યું. આવા સાધનો ભારતના યુવાન સર્જકોને વૈશ્વિક સ્તરે હિટ કન્ટેન્ટ બનાવવા માટે સશક્ત બનાવશે.
અંબાણીએ કહ્યું કે ભારત પાસે પ્રાચીન વાર્તાઓ અને સંસ્કૃતિનો એવો ભંડાર છે જે ભાઈચારો, કરુણા અને માનવ મૂલ્યોથી ભરેલો છે. રામાયણ, મહાભારત અને અન્ય લોકકથાઓ વૈશ્વિક સ્તરે સાંસ્કૃતિક પુલ બની શકે છે. “આ વાર્તાઓ વિશ્વના લોકોના હૃદયને સ્પર્શી શકે છે,” એમ તેમણે કહ્યું.
મુકેશ અંબાણીએ સમિટમાં હાજર લોકોમાં આત્મવિશ્વાસ ભરીને કહ્યું કે, “આજના યુવાનો પાસે વિશ્વમાં ભારતના મનોરંજન ઉદ્યોગને નવી ઊંચાઈઓએ લઈ જવાની ક્ષમતા છે. આ ઉદ્યોગ માત્ર ‘સોફ્ટ પાવર’ નથી, પણ દેશની અર્થવ્યવસ્થાનું એક મહત્વપૂર્ણ હથિયાર છે.”
પહેલગામ આતંકવાદી હુમલા વિશે પણ અંબાણીએ તેમની સહાનુભૂતિ વ્યક્ત કરી. પીએમ મોદીના હાજર હોવા અંગે તેમણે કહ્યું કે, “આ ઉપસ્થિતિ શાંતિ અને ન્યાયના સંદેશ સાથે 145 કરોડ ભારતીયોની એકતાનું પ્રતીક છે. આતંકવાદ સામેની લડાઈમાં આખું દેશ એકસાથે છે.”
WAVES 2025 ભારતના મનોરંજન ક્ષેત્ર માટે એક નવા યુગની શરૂઆત તરીકે જોવાઈ રહી છે – જ્યાં વાર્તાઓ, ટેક્નોલોજી અને કલાત્મકતા એકસાથે વિશ્વ પર છાપ મુકે છે.