Delhi Airport: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પહેલા વરસાદે લોકોને મુશ્કેલીમાં મુકી દીધા છે. વરસાદના કારણે દિલ્હી એરપોર્ટ પર આજે એટલે કે 28મી જૂને એક મોટી દુર્ઘટના થઈ હતી. મુશળધાર વરસાદ વચ્ચે એરપોર્ટના ટર્મિનલ 1ની છત તૂટી પડી હતી. આ અકસ્માતમાં છ લોકો ઘાયલ થયા છે. આ ઘટના પર કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુએ ટ્વિટ કર્યું કે હું દિલ્હી એરપોર્ટના T1 પર છત પડવાની ઘટના પર વ્યક્તિગત રીતે નજર રાખી રહ્યો છું. ઘટનાસ્થળે બચાવ ટીમ કામ કરી રહી છે. ઉપરાંત, એરલાઇન્સને T1 પર તમામ અસરગ્રસ્ત મુસાફરોને મદદ કરવાની સલાહ આપવામાં આવી છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે.
દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 1 પર એક મુસાફરે કહ્યું કે મારી સવારે 9 વાગ્યાની ફ્લાઈટ છે. મને ખબર પડી કે ઉપરનો (છત)નો કેટલોક ભાગ અહીં પડી ગયો છે. કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. તેઓ (અધિકારીઓ) હવે અમને ટર્મિનલ 2 પર જવા માટે કહી રહ્યા છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે દિલ્હી-NCRમાં આજે એટલે કે શુક્રવારે સવારે ભારે વરસાદ થયો હતો. આ વરસાદમાં દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-1ની છતનો એક ભાગ તૂટીને નીચે પડી ગયો હતો. આ અકસ્માત સમયે, ઘણી કાર છત નીચે પાર્ક કરવામાં આવી હતી અને છત તૂટવાને કારણે તે ખરાબ રીતે કચડાઈ ગઈ હતી. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે, જ્યારે વાહનોને પણ ભારે નુકસાન થયું છે. ઘટનાની માહિતી મળતા જ દિલ્હી ફાયર વિભાગના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
સ્પાઈસજેટે કહ્યું કે ખરાબ હવામાન (ભારે વરસાદ)ને કારણે સ્પાઈસજેટની ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. દિલ્હી એરપોર્ટનું ટર્મિનલ 1 આગામી આદેશો સુધી કામગીરી માટે આંશિક રીતે બંધ રહેશે.
