Operation Sindoor : શા માટે નામ રાખવામાં આવ્યું ‘ઓપરેશન સિંદૂર’? જાણો ભારતની કાર્યવાહી પાછળનો અર્થપૂર્ણ સંદેશ
Operation Sindoor 6-7 મેની રાત્રે ભારતે એક ઐતિહાસિક લશ્કરી પગલું ભર્યું—પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલી નવ આતંકવાદી છાવણીઓને સંપૂર્ણપણે નષ્ટ કરવામાં આવી. આ લશ્કરી કાર્યવાહી ‘ઓપરેશન સિંદૂર’ તરીકે ઓળખાઈ છે, જે માત્ર એક સામરિક પ્રતિક્રિયા નહોતી, પણ દેશની મહિલાઓના આત્મસમ્માન અને આતંકના વિરોધમાં ઊભેલી શ્રદ્ધાંજલિ પણ હતી.
મહત્વપૂર્ણ છે કે આ ઓપરેશનનું નામ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાખ્યું હતું. કારણ એ હતું કે 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ યાત્રાળુઓને ભોગ બનાવવામાં આવ્યા હતા, જેમાં અનેક મહિલાઓએ પોતાના પતિઓને ગુમાવ્યા હતા—તેમના માથાના સિંદૂર છીનવાઈ ગયા હતા. પીએમ મોદીએ સેના વડાઓ સાથે થયેલી ગુપ્ત બેઠકમાં સ્પષ્ટ સંદેશ આપ્યો કે આ હુમલાનો જવાબ માત્ર કાયદા કે લશ્કરી દૃષ્ટિએ નહિ, પણ નારી શક્તિના સન્માન માટે પણ અપાય.
‘સિંદૂર’ હિંદુ સંસ્કૃતિમાં પરિણીત મહિલાનું ગૌરવ અને આસ્થાનું પ્રતિક છે. ભારત સરકારે આ નામ દ્વારા એ બતાવ્યું કે આતંકવાદી હુમલાઓથી દેશના કટુંબો, ખાસ કરીને મહિલાઓને જે દુખ ભોગવવું પડે છે, એ અન્યાય સહન કરી શકાતો નથી. ‘ઓપરેશન સિંદૂર’ એ માત્ર આતંકવાદીઓને નાબૂદ કરવાનો પ્રયાસ નહોતો, પણ જે મહિલાઓ વિધવા બન્યા છે, તેમના દુઃખ સામે દેશનો સંકલ્પ પણ હતો.
આ ઓપરેશન દરમિયાન ભારતીય વાયુસેનાએ મુઝફ્ફરાબાદ, કોટલી, બહાવલપુર અને સિયાલકોટ જેવા વિસ્તારોમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા સંગઠનોના અડ્ડાઓને નિશાન બનાવીને મિસાઇલ હુમલા કર્યા હતા. લગભગ 250 આતંકવાદીઓ અને તેમના સહયોગીઓ નાબૂદ થયા હોવાના અહેવાલ છે. આ હુમલો સંપૂર્ણપણે ભારતની સરહદની અંદર રહીને અંજામ આપવામાં આવ્યો હતો, જેથી આંતરરાષ્ટ્રીય કાનૂની માપદંડોનું પણ પાલન થયું.
સામાન્યતઃ લશ્કરી ઓપરેશનો નામમાં વ્યૂહાત્મકતા હોય છે, પરંતુ ‘ઓપરેશન સિંદૂર’ એ સંવેદનાની સાથે જોડાયેલું એવું નામ છે, જે સમગ્ર રાષ્ટ્ર માટે આત્મગૌરવ અને ન્યાયનું પ્રતિક બની ઊભરાયું છે.