કોરોના વાયરસ વિરૂદ્ધ શરૂ કરવામાં આવેલા 21 દિવસના લોકડાઉનના પહેલા જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું છે. જેમાં વડાપ્રધાને જણાવ્યું છે કે, આજથી શરૂ થઈ રહેલી નવરાત્રી પર તેઓ કોરોના વિરૂદ્ધ યુદ્ધ લડી રહેલા લોકોનું સ્વાસ્થ્ય સારૂ રહે તે માટે પ્રાર્થના કરીશું. વડાપ્રધાન મોદીએ મેડિકલ સ્ટાફ, પોલીસ, મીડિયા વગેરેના નામ લીધા હતાં. સાથે જ તેમણે કહ્યું હતું કે, દેશભરમાં હાલના સમયમાં અનેક તહેવાર ઉજવવામાં આવનાર હતાં, તેમનું સેલિબ્રેશન તેવી રીતે નહીં થાય પણ આ તહેવાર આપણને આ સંકટમાંથી બહાર નિકળવાનો હિંમત બંધાવશે. પીએમ મોદીએ રાષ્ટ્રના નામે સંબોધન કર્યા બાદ આજે ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આજથી નવરાત્રીનું પર્વ શરૂ થઈ ગયું છે. વર્ષોથી હું માતાજીની આરાધના કરતો આવ્યો છું. આ વખતની સાધના માનવતાની ઉપાસના કરનારા તમામ નર્સ, ડોક્ટર્સ, મેડિકલ સ્ટાફ, પોલીસકર્મી અને મીડિયાકર્મી, સાથે જ જે કોરોના વિરૂદ્ધ લડાઈમાં સાથ આપી રહ્યાં છે, તેમના ઉત્તમ સ્વાસ્થ્ય, સુરક્ષા અને સિદ્ધિને સમર્પિત કરૂ છું.
ભારતમાં કોરોના વાયરસના કેસોને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સાંજે 8 વાગ્યે દેશને સંબોધિત કર્યો હતો અને જનતા કર્ફ્યૂની સફળતા માતે દેશનો ધન્યવાદ કર્યો હતો. લોકડાઉનની બેદરકારીથી નારાજ વડાપ્રધાન મોદીએ દેશને બચાવવા માટે આખા દેશમાં ત્રણ સપ્તાહ માટે લોકડાઉન જાહેર કર્યું. આ દરમિયાન હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કોઈ જ પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી. મેડિકલ શોપ અને રાશનની દુકાનો ખુલી રહેશે. ડોક્ટરના ત્યાં જવાની પણ મંજૂરી આપવામાં આવશે. તમામ રેસ્ટોરંટ, દુકાનો બંધ રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના વાયરસની ગંભીરતાને ધ્યાનમાં રાખતા દેશ આખામાં આજે રાત્રે 12 વાગ્યાથી લોકડાઉનની જાહેરાત કરી હતી. આ લોકડાઉન એક બે દિવસ નહીં પણ 21 દિવસનું રહેશે. વડાપ્રધાને કહ્યું હતું કે, આ નિર્ણય દેશના ઘણા લોકો દ્વારા લોકડાઉનની વાતને ગંભીરતાથી ના લેવાના કારણે લેવામાં આવ્યો હતો.