નવી દિલ્હીઃ વોટ્સઅપની પ્રાઈવસી પોલિસી ફેબ્રુઆરી મહિનાથી વિવાદાસ્પદ બની છે. પ્રાઈવસી પોલિસીના નામે વોટ્સઅપ તેના યુઝર્સ સાથે દાદાગીરી કરી રહ્યું છે. અનેક દેશોએ વોટ્સઅપની નવી પોલિસી ચૂપચાપ સ્વિકારી લીધી છે, પરંતુ ભારત સરકાર તેની સામે લડત આપી રહી છે.
પોલિસી પાછી ખેંચવા આપ્યું 7 દિવસનું અલ્ટિમેટમ
કેન્દ્ર સરકારના ઈલેક્ટ્રોનિક એન્ડ ઈન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયે વોટ્સઅપને 19 તારીખે આદેશ આપ્યો હતો કે તમારી આ પોલિસી પાછી ખેંચી લો. આ આદેશના અમલ માટે વોટ્સઅપ અને તેની માલિકી ધરાવતી કંપની ફેસબૂકને સરકારે સાત દિવસનો સમય આપ્યો છે. અત્યાર સુધી વોટ્સઅપ-ફેસબૂક તેના યુઝર્સને પોલિસીનો ધરાર સ્વિકાર કરવા માટે મુદત આપતી હતી. હવે ભારત સરકારે કંપનીને 25મી મે સુધીની મુદત આપી છે. ભારત સરકારે પોતાના આદેશમાં કંપનીને જણાવ્યુ છે કે જો નિર્ધારિત સમયમર્યાદામાં સૂચનાનું પાલન નહીં થાય તો કડક પગલાં ભરવામાં આવશે. વોટ્સઅપે આ પોલિસી શરૃઆતમાં ફેબ્રઆરી મહિનામાં દાખલ કરી હતી. ત્યારે વોટ્સઅપની દાદાગીરી સ્વિકારવાને બદલે ઘણા યુઝર્સે વોટ્સઅપના હરીફ અને વધારે સલામત મેસેજિંગ એપ સિગ્નલનો વપરાશ શરૃ કરી દીધો હતો. એ ઉપરાંત બીજી મેસેજિંગ એપ ટેલિગ્રામનો પણ જબરદસ્ત વપરાશ થઈ રહ્યો છે.
ટ્સઅપ નવી પોલિસી હેઠળ પોતાની પાસેનો યુઝર્સનો ડેટા ફેસબૂક સાથે શેર કરવા માંગે છે. વોટ્સઅપ-ફેસબૂકની દલીલ એવી છે કે અમારી પાસેનો તમારો ડેટા સલામત છે. પણ સૌથી વધારે ડેટા લિક ફેસબૂકમાંથી થાય છે. ફેસબૂકના માલિક ઝકરબર્ગ પણ ડેટા સલામતી મુદ્દે ગંભીર નથી એવુ અમેરિકી સંસદની તપાસમાં જણાયુ હતુ. એટલે વોટ્સઅપ એવી માહિતી આપે કે અમારી પાસેનો તમારો ડેટા સલામત છે, તો એ વાત પર કોઈ વિશ્વાસ કરશે નહીં.