* છેક અમેરિકા જઇને રાહુલે બળાપો કાઢ્યો * વડા પ્રધાનપદના ઉમેદવાર બનવા તૈયારનોય સંકેત |
વૉશિંગ્ટન: કૉંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ મંગળવારે જણાવ્યું હતું કે, ભારતમાં મોટાભાગના રાજકીય પક્ષોમાં વારસાગત રાજકારણ એ એક સમસ્યા રહી છે. અલબત્ત, મારા પક્ષમાં વિશાળ સંખ્યાના લોકો વારસાગત ભૂમિકા ધરાવતા નથી, એમ પણ તેમણે જણાવ્યું હતું. છેક અમેરિકા જઇને બળાપો કાઢનાર રાહુલે કહ્યું હતું કે, ભારતમાં વંશવારસ જ ગાદી સંભાળે એ નક્કી જ હોય છે ત્યારે મને શું કામ ટાર્ગેટ બનાવાય છે.આ સાથે તેમણે જણાવ્યું હતું કે કોઇ પણ વ્યક્તિની પાર્શ્ર્વભૂથી તેની ક્ષમતા નક્કી થતી નથી. કેલિફોર્નિયાની બર્કલી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના પ્રશ્ર્નનો ઉત્તર આપતાં ગાંધીએ જણાવ્યું હતું કે પક્ષ અગર મને આદેશ આપે તો કોઇ પણ મહત્ત્વની કામગીરીની જવાબદારી વહન કરવાની મારી તૈયારી છે. કૉંગ્રેસ પક્ષમાં વારસાગત રાજકારણ વધુ છે ખરું? એવા અન્ય પ્રશ્ર્નનો ઉતર આપતાં ગાંધીએ દલીલ કરતાં જણાવ્યું હતું કે ભારત દેશ વંશ પરંપરાગત ભૂમિકાના આધારે ચાલી રહ્યો છે. તેમણે વડા પ્રધાનપદના ઉમેદવાર બનવા પોતાની તૈયારી હોવાનો પણ સંકેત આપ્યો હતો.
ભારતમાં મોટા ભાગના પક્ષોમાં એ સમસ્યા છે. અખિલેશ યાદવ વંશપરંપરાગત આવ્યા છે. સ્ટાલિન (કરુણાનિધિના પુત્ર) પણ વારસાગત રાજકારણનો હિસ્સો છે. અરે અભિષેક બચ્ચનને પણ વારસાનો લાભ મળ્યો છે. એટલે કે ભારતમાં આમ ચાલે જ છે. એટલે માત્ર એનું હું જ ઉદાહરણ નથી. હું યાદ અપાવું કે અંબાણીનો બિઝનેસ પણ એ રીતે ચાલી રહ્યો છે અને ઇન્ફોસિસમાં પણ એ જ ચાલે છે. એટલે ભારતમાં આ રીતે જ કારોબાર ચાલે છે. તેમણે અનેક નામાંકિત ભારતીયોની આવી એક યાદી દર્શાવી હતી.
…પરંતુ કૉંગ્રેસમાં વિશાળ સંખ્યા ધરાવતા એવા લોકો છે, જેમની કોઇ જ વંશપરંપરાગત ભૂમિકા નથી. દરેક રાજયમાં હું એ નામ દર્શાવી શકું છું. મહત્ત્વનો પ્રશ્ર્ન એ જ છે કે ખરેખર એ વ્યક્તિ સક્ષમ અને સંવેદનશીલ છે કે નહીં એ નક્કી કરવાનો છે, એમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે કૉંગ્રેસ શાસન દરમિયાન શરૂ કરવામાં આવેલી મોટાભાગના કાર્યક્રમોનો ભાજપ દ્વારા અમલ કરવામાં આવી રહ્યો છે. યોજનાઓનો મધ્યવર્તી વિચાર તો તેમણે કૉંગ્રેસ પાસેથી ઉધાર લીધો છે. પરંતુ એ વિચારસરણીનો તેમનાથી અમલ થઈ શકશે નહીં, કારણ કે એ અંગે અમને જ જાણ છે.
તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ નીતિની પણ ટીકા કરી હતી.