કોંગ્રેસમાં નેતૃત્વને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ દરમિયાન કોંગ્રેસ કાર્ય સમિતિ ના કેટલાક સભ્યોએ આજે મળનારી બેઠકમાં રાહુલ ગાંધીને એક વખત ફરીથી પાર્ટી અધ્યક્ષ બનાવવાની માંગ મૂકવા તૈયારી કરી લીધી છે
કોંગ્રેસના સીનિયર નેતા અને CWCના સભ્યએ જણાવ્યું કે, “આજની CWC બેઠક નેતૃત્વ અને સંગઠન પર મુખ્યરૂપે કેન્દ્રીત રહેવાની છે. હું ખુદ મારા તરફથી રાહુલ ગાંધીનું નામ પાર્ટીના અધ્યક્ષ તરીકે આગળ રાખીશ. કારણ કે, આજ કોંગ્રેસ કાર્યકર્તાઓ પણ આજ ઈચ્છી રહ્યાં છે.”
કોંગ્રેસ અધ્યક્ષ મુદ્દે પાર્ટીમાં આંતરિક મતભેદના સવાલ પર તેમણે જણાવ્યું કે, એવું કશું જ નથી. તમામ ઈચ્છે છે કે, રાહુલ ગાંધી ફરીથી અધ્યક્ષ બને. જો કે કેટલાક લોકો એવા જરૂર હોઈ શકે છે કે, જેમનું માનવું છ કે, જો રાહુલ ગાંધી તૈયાર ના થાય, તો પાર્ટી અધ્યક્ષ માટે કોઈ અન્યનું નામ કે ચૂંટણી કરાવવા પર વિચાર કરવામાં આવે.
કોંગ્રેસ અધ્યક્ષ બનવા માટે રાહુલ ગાંધી તૈયાર ના થાય તો પછી શું? આ પ્રશ્નનો જવાબ આપતા પાર્ટીના નેતાએ જવાબ આપતા જણાવ્યું કે, આ CWC અને નેહરુ-ગાંધી પરિવારને નક્કી કરવાનું છે. જો કે આજની CWC બેઠકમાં ભવિષ્ય માટે રોડમેપ પર સહમતી બનવાની આશા છે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય બાદ રાહુલ ગાંધીએ પાર્ટીના અધ્યક્ષ પદ ઉપરથી રાજીનામું આપી દીધુ હતું. જે બાદ સોનિયા ગાંધીને વચગાળાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. જો કે અવારનવાર કોંગ્રેસના અનેક નેતાઓ રાહુલ ગાંધીને ફરીથી પાર્ટી અધ્યક્ષ બનાવવાની માંગ ઉઠાવતા રહ્યાં છે.