જમ્મુ-કાશ્મીર મામલે ભારત સાથે ભારે તણાવ અને અફઘાનિસ્તાનમાં શાંતિ વાર્તા વચ્ચે પાકિસ્તાને તેના સેના પ્રમુખ કમર જાવેદ બાજવાના કાર્યકાળને 3 વર્ષ સુધી વધારી દીધો છે. 1947માં પાકિસ્તાનની સ્થાપના બાદ અનેકવાર સેનાએ સત્તાપલટ કરી છે. પાકિસ્તાનના ઈતિહાસમાં અદધાથી વધારે સમય તો સૈન્યનું શાસન રહ્યું છે. તેમ છતાંયે ઈમરાન ખાને બાજવાને વધુ એકવાર એક્ટેન્શન આપી દીધું છે. જે દર્શાવે છે કે પાકિસ્તાનમાં લોકશાહી નહીં પણ સેના ચૂંટાયેલી સરકાર પર ભારે પડે છે. જોકે આ ઈમરાન ખાનની મજબુરી હતી કે કેમ તેની ચર્ચા ચારેકોર થઈ રહી છે.
ટીકાકારોનું કહેવું છે કે, પાકિસ્તાની સેનાએ જ 2018માં ઈમરાન ખાનને જીતાડવામાં મદદ કરી હતી. સાથે જ પાકિસ્તાનની રાજનીતિમાં એક નવી શક્તિનો જન્મ થયો. જેના કારણે જ વિરોધ પક્ષના નેતાઓ ઈમરાન ખાનને ‘સિલેક્ટેડ પીએમ’ એટલે કે સેના દ્વારા ચૂંટવામાં આવેલા વડાપ્રધાન કહીને બોલાવે છે. હવે આ ઋણ ચુકવવાનો વારો ઈમરાન ખાનનો હોઈ તેમને બાજવાને ફરી એકવાર સેનાધ્યક્ષ પદે પસંદ કર્યા હોવાનું કહેવામાં આવે છે. જોકે કેટલાક લોકોનું તો એવુ પણ કહેવું છે કે, ઈમરાન ખાન સિલેક્ટેડ પીએમ હોવાના કારણે બાજવા જાતે જ બીજીવાર સેનાધ્યક્ષ બની બેઠા છે.
FTFAનું દબાણ
ઈમરાન ખાને આ નિર્ણય મજબુરીમાં લીધો હોવાનું એક કારણ એ પણ હોઈ શકે કે ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ જેવી વૈશ્વિક સંસ્થાને લઈને પાકિસ્તાન સખત દબાણ હેઠળ છે. તેના પર બ્લેક લિસ્ટનો ખતરો તોળાઈ રહ્યો છે. જેથી ઈમરાન ખાન કોઈ જોખમ ઉઠાવવા ના માંગતા હોવાનું પણ કહેવાય છે. રાજનેતાઓનું કહેવું છે કે, આ દવાણબા કારણે જ પાકિસ્તાની સેના છેલ્લા કેટલાક સમયથી આતંકી સંગઠનો પર કાર્યવાહી કરવાનો દેખાડો કરી રહી છે. આ સ્થિતિમાં ઈમરાન ખાન સરકારે બાજવાને જ યથાવત રાખવા જ વધારે યોગ્ય સમજ્યા છે.
વિપક્ષે પણ સાધ્યું નિશાન
વિરોધ પક્ષ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના એક વરિષ્ઠ નેતા ફરહાતુલ્લાહ બાબરે એક ટ્વિટ કરી પોસ્ટમાં લખ્યું હતું કે – આર્મી ચીફનો કાર્યકાળ વધારવો એકદમ અયોગ્ય બાબત છે. મજબુત સંસ્થાઓ કોઈ એક વ્યક્તિ પર નિર્ભર ના રહેવુ જોઈએ પછી ભલે તે ગમે તેટલો સક્ષમ કેમ ના હોય. વ્યક્તિઓ પર નિર્ભર રહેનારૂ સંગઠન ખુબ જ નવળું બની જાય છે. સાથે જ સેનાના અન્ય ટોચનો રેંક ધરાવતા અધિકારીઓમાં પણ ખોટો સંદેશ જશે અને સેનાનું મનોબળ પણ તુટશે.
જ્યારે કેટલાક નિષ્ણાંતોનું તો ત્યાં સુધી કહેવું છે કે, ઈમરાન ખાન જનરલ બાજવા પર એટલા બધા તો નિર્ભર થઈ ગયા છે કે, તેમની પાસે કોઈ જ વિકલ્પ નથી. જાહેર છે કે, પાકિસ્તાની સૈન્ય ઘરઆંગણાની રાજનીતિમાં પણ ખુબ જ હસ્તક્ષેપ કરતી રહે છે.
સુરક્ષા અધિકારીઓનું તો એવુ પણ કહેવું છે કે, તેઓ પાકિસ્તાનની રાજનીતિમાંથી બે સૌથી જુની પાર્ટીઓનું નામોનિશાન મિટાવી દેવા માંગે છે. ખાસ કરીને એ નેતૃત્વને તો ખાસ જેને તેઓ ભ્રષ્ટાચારી કહે છે.
પાકિસ્તાની મીડિયામાં ‘બાજવા સિદ્ધાંત’ ખુબ જ પ્રચલિત છે જેને અંતર્ગત સેના પ્રમુખ પાડોશી દેશો સાથે સંબંધ મજબુત બનાવીને અર્થવ્યવસ્થાને સક્ષમ બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. પરંતુ પાકિસ્તાન વધારે કંગાળ બની રહ્યું છે અને તેના પાડોશી દેશો સાથે સંબંધો પણ વણસી રહ્યાં છે.