ઉત્તરપ્રદેશનાં ફિરોઝાબાદની એક કોલેજમાં બુરખો પહેરી આવનાર વિદ્યાર્થીઓને કોલેજમાંથી બાહર કાઢી મુકાયા હોવાનાં સમાચાર વહેતા થયા છે. આ ચોંકાવનારો કિસ્સો ફિરોઝાબાદની એસઆરકે ડિગ્રી કોલેજનો છે. અહીં પીડિત વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે તેઓને બુરખો ઉતારી કોલેજમાં પ્રવેશ માટે કહેવામાં આવ્યું છે. બુરખાધારી વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે તેઓ હંમેશા બુરખામાં કોલેજ આવે છે, પરંતુ અચાનક આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે.જ્યારે કોલેજનાં પ્રિન્સિપલનું કહેવું છે કે વિદ્યાર્થીનીઓએ કોલેજમાં યુનિફોર્મ પહેરીને આવવાનું હોય છે. હાલતો આ મામલે વાયરલ થયેલ ફોટોએ સોશ્યલ મીડિયામાં ચર્ચા જગાવી છે.
ઉત્તર પ્રદેશનાં ફિરોઝાબાદમાં એસઆરકે ડિગ્રી કોલેજમાં બુરખો પહેરી આવેલ વિદ્યાર્થીનીઓને કોલેજનાં પ્રિન્સિપલે ભગાડી મુકી હતી. હાથમાં લાકડી લઈ પ્રિન્સિપલ વિદ્યાર્થીઓને બાહર ભગાડી રહ્યાં હોય તેવો ફોટો વાયરલ થઈ રહ્યો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ ડિગ્રી કોલેજમાં બુરખો પહેરીને આવવા પર પ્રતિબંધ છે. પીડિત વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમને કહેવામાં આવે છે કે તેઓ બુરખો ઉતારીને કોલેજમાં પ્રવેશ કરે. બીજી તરફ, કોલેજના પ્રિન્સિપલ પ્રભાસકર રાયનું કહેવું છે કે આ નિયમ ઘણો જૂનો છે. અહીં વિદ્યાર્થીઓને યૂનિફોર્મમમાં આવવાનું હોય છે. તેઓએ કહ્યું કે કોલેજમાં હજુ એડમિશન ચાલી રહ્યા હતા. એવામાં આ નિયમનું થોડા દિવસથી કડક પાલન કરવામાં આવતું ન હતું. તેમણે કહ્યું કે બુરખો ડ્રેસ કોડમાં નથી આવતો. કોલેજ પ્રશાસન દ્વારા જે ડ્રેસ નક્કી કરાયો છે માત્ર તેને જ પહેરીને કોલેજમાં પ્રવેશ આપવામાં આવશે. જાણવા મળ્યા મુજબ કોલેજમાં પોલીસ તેનાત છે. પોલીસ બુરખો પહેરીને કોલેજ આવનારી વિદ્યાર્થિનીઓને રોકી રહી છે.
એટલુંજ નહીં તેઓને કોલેજ કેમ્પસમાં પણ બુરખો ઉતારવાની મંજૂરી આપવામાં આવી નથી. તેઓને બસ સ્ટેન્ડ જઈને બુરખો ઉતારવાનું કહેવાયું છે. બીજી તરફ ક્લાસની અંદર પણ બુરખો ઉતારવાની મંજૂરી નથી. વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે તેઓ હંમેશા બુરખામાં કોલેજ આવે છે, પરંતુ અચાનક આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે.