એપલે ચીનમાં પોતાના આઈફોન 11 ની સીરીઝની કિંમતોમાં ભારે ઘટાડો કર્યો છે. ચાઈનીઝ ટેક્નોલોજી પબ્લિકેશન MyDrivers ના રિપોર્ટ અનુસાર, ચીનના ઘણા ઈ-કોમર્સ પોર્ટલ્સ પર આઈફોન 11 સીરીઝની કિંમતને 500 થી 1600 યુઆન સુધી ઘટાડી દેવામાં આવ્યા છે. તેનો મતલબ એ છે કે આ સ્માર્ટફોનની કિંમતમાં 5000 થી 17000 રૂપિયા સુધી કિંમત ઓછી થઈ છે. તમને જણાવી દઈએ કે આ સીરીઝમાં ત્રણ સ્માર્ટફોન iPhone 11, iPhone 11 Pro અને iPhone 11 Pro Max આવે છે.
ચીનમાં અત્યાર સુધી આઈફોન 11 ની કિંમત 4,999 યુઆન લગભગ 53,900 રૂપિયા છે અને ટોપ વેરિએન્ટ આઈફોન 11 પ્રો મેક્સની કિંમત 11,099 યુઆન થઈ ગઈ છે. ભારતની વાત કરવામાં આવે તો અહીં આઈફોન 11 ની કિંમત 68,300 રૂપિયા અને આઈફોન 11 પ્રો મેક્સના ટોપ વેરિએન્ટની કિંમત 1,50,800 રૂપિયા છે. રિપોર્ટમાં દર્શાવવામાં આવેલી પ્રાઈઝ લિસ્ટ પર નજર કરીએ તો ચીનમાં આઈફોન 11ની કિંમત 500 યુઆન, આઈફોન 11 પ્રોની કિંમત 1200 યુઆન અને આઈફોન 11 પ્રો મેક્સની કિંમત 1700 યુઆન ઘટી ગઈ છે ત્યાં જ ચીનના મુકાબલે ભારતમાં આઈફોન 11 સીરીઝની કિંમતમાં ખૂબ અંતર આવી ગયું છે.
એપલ માટે ચીન એક મહત્વપૂર્ણ માર્કેટ છે. કોરોના વાયરસના પ્રકોપ બાદ ચીનમાં હવે જીવન ફરી પાટા પર આવતુ જોવા મળી રહ્યું છે. અહીં કિંમતોમાં ઘટાડો કરીને એપલ પોતાની સેલ ઝડપથી શરૂ કરવા ઈચ્છી રહ્યું છે. જેથી આઈફોન 11ની ઈન્વેન્ટરી ટૂંક સમયમાં પૂર્ણ થઈ જાય અને આઈફોન 12 માટે જગ્યા બનાવવામાં આવે. જોકે જોવાનું એ રહેશે કે લોકડાઉન ખતમ થયા બાદ શુ ભારતમાં પણ એપલ પોતાની કિંમતોમાં ઘટાડો કરશે?