હળવદના સૂર્યનગર ગામ નજીકના બ્રાહ્મણી 2 ડેમમાંથી એક કોથળામાં ગોદળા વીંટેલી અને નીચે થાંભલો બાંધેલી અવસ્થામાં લાશ મળી આવી હતી. જેની જાણ હળવદ પોલીસને થતા ટીમ ઘટનાસ્થેળે દોડી ગઈ હતી અને બનાવની વધુ તપાસ હાથ ધરી હતી. જેના ખિસ્સામાં રહેલી પ્લેનની ટીકીટના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં લાશનો ભેદ ઉકેલી નાખ્યો છે. હળવદ પોલીસ પ્રાપ્ત માહિતી અનુસાર મૃતકના ખિસ્સામાંથી એર ટિકિટ મળેલ તેના આધારે એજન્સીમાં તપાસ કરતાં આ ટિકિટ રિયા ટુર ટ્રાવેલ્સ એજન્સીમાંથી ટિકિટ બુક થઈ હતી.
જેના આધારે તપાસ કરતાં આ મૃતક દિપકભાઈ અમૃતલાલ પંચાલ (ઉંમર વર્ષ 59 રહે અંધેરી મુંબઈ) હોવાનું જાણવા મળ્યું હતું. જે એર ઇન્ડિયામાં એન્જિનિયર તરીકે સર્વિસ કરતા હતા અને પહેલા નોરતે તા, 29-9-19 ગુમ થયેલા હતા. જેની મુંબઈ અંધેરી પોલીસ સ્ટેશનમાં ગુમસુદાની ફરિયાદ મોટાભાઈ સુરેશભાઈ લખાવી હતી.
જેના આધારે તેના કુટુંબીજનોને જાણ કરાતા તેના કુટુંબીજનો સુરેશભાઈ મોટાભાઈ, ભત્રીજો વિશાલ સહીતના પરીવારજનો આજે સવારે 11વાગ્યા ની આજુબાજુ હળવદ પોલીસ સ્ટેશને આવી પહોંચ્યા હતા અને પોતાના ભાઈની ઘડિયાળ ચશ્મા ની ઓળખ કરીને પોતાના ભાઈનો મૃતદેહ લેવા રાજકોટ મેડીકલ કોલેજ ખાતે રવાના થયા હતા, જ્યાં લાશને મુંબઈથી હળવદ સુધી ડેડ બોડી કેવી રીતે આવી, શું થયું તે બાબતે હવે આગળની તપાસ મુંબઇ પોલીસ હાથ ધરશે તેવું જાણવા મળ્યું છે.