સરકારી નોકરીનો મોહ ઘટ્યો, બિઝનેસ તરફ યુવાનોનો ઝુકાવ વધ્યો! IIT મંડીના સર્વેમાં ચોંકાવનારા આંકડા
ભારતમાં આજના યુવાનોમાં નોકરી શોધવાને બદલે નોકરી આપનાર (Job Creator) બનવાનો ઉત્સાહ ઝડપથી વધી રહ્યો છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) મંડી અને બેંગલુરુની રેવા યુનિવર્સિટી (REVA University) દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવેલા “GUESSS ઇન્ડિયા ૨૦૨૫ નેશનલ સર્વે રિપોર્ટ” અનુસાર, ભારતના ૨૨% થી વધુ કોલેજ વિદ્યાર્થીઓ (એટલે કે દર પાંચમાંથી એક કરતાં વધુ) પોતાના બિઝનેસ શરૂ કરી ચૂક્યા છે. આ આંકડો ૨૩% ના વૈશ્વિક સરેરાશની અત્યંત નજીક છે.

“હાઉ ડુ વી મેક સ્ટુડન્ટ આંતરપ્રિન્યોર્સ?” (How Do We Make Student Entrepreneurs?) શીર્ષક ધરાવતા આ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ૪૩% ભારતીય વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પોતાનો વ્યવસાય શરૂ કરવાની ઈચ્છા ધરાવે છે, જે વૈશ્વિક સરેરાશ જેટલું જ છે. જે વિદ્યાર્થીઓએ પોતાના સ્ટાર્ટઅપ સ્થાપિત કરી દીધા છે, તેમાંથી ૩૫.૫% વિદ્યાર્થીઓ નિયમિત વેચાણ (Regular Sales) મેળવી રહ્યા છે, જ્યારે વૈશ્વિક સ્તરે આ પ્રમાણ ૩૩% છે.
ગ્રેજ્યુએશન પછી સરકારી અને મોટી કંપનીઓની નોકરીઓ પ્રત્યે મોહભંગ
આ રિપોર્ટ દર્શાવે છે કે અભ્યાસ પૂર્ણ કર્યા પછી તરત જ ઉદ્યોગસાહસિકતા (Entrepreneurship) તરફ વળવાના વલણમાં મોટો વધારો થયો છે:
પોતાનો બિઝનેસ: ગ્રેજ્યુએશન પૂરું થતાં જ પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગતા વિદ્યાર્થીઓનું પ્રમાણ વર્ષ ૨૦૨૩ ના ૧૪% થી વધીને ૨૦૨૫ માં ૧૬.૨% થયું છે.
સરકારી નોકરીઓ: સરકારી નોકરીઓની તૈયારી કરવા માંગતા વિદ્યાર્થીઓનો હિસ્સો ૧૨.૭% થી ઘટીને ૧૦.૧% થઈ ગયો છે.
મોટી કંપનીઓમાં નોકરી: મોટી કોર્પોરેટ કંપનીઓમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ૩૧.૩% થી ઘટીને ૨૭.૪% પર આવી ગઈ છે.
ભારતના ૩૪ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૧,૨૦૦ થી વધુ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના ૨૫,૭૮૩ વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલો આ સર્વે દર્શાવે છે કે ભારતીય વિદ્યાર્થીઓ માત્ર વિચારો સુધી મર્યાદિત ન રહેતા તેને વાસ્તવિક બિઝનેસમાં બદલી રહ્યા છે. નિયમિત કમાણી કરતા વિદ્યાર્થીઓના વ્યવસાયોમાંથી ૩૧% બિઝનેસ વર્ષ ૨૦૨૫ માં જ સ્થપાયા છે, જ્યારે વૈશ્વિક સ્તરે આ પ્રમાણ માત્ર ૧૮% છે.

અસફળતામાંથી શીખ અને એકથી વધુ બિઝનેસ ચલાવવાનો અનુભવ
ભારતીય વિદ્યાર્થીઓમાં જોખમ લેવાની ક્ષમતા અને નવું શીખવાની વૃત્તિ પણ વધી રહી છે:
અગાઉના વ્યવસાયો બંધ કરવાનો અનુભવ: હાલમાં બિઝનેસ ચલાવતા ૪૧% ભારતીય વિદ્યાર્થીઓ એવા છે જેમણે નવો બિઝનેસ શરૂ કરતા પહેલા અગાઉનો એક પ્રયાસ કે સાહસ બંધ કરવું પડ્યું હતું. વૈશ્વિક સ્તરે આ સરેરાશ ૩૩% છે.
એક કરતાં વધુ બિઝનેસ: ૪૨% ભારતીય વિદ્યાર્થી ઉદ્યોગસાહસિકો એક જ સમયે બે કે તેથી વધુ વ્યવસાયો ચલાવી રહ્યા છે, જે વૈશ્વિક સ્તરે ૨૫% ના સરેરાશ કરતાં ઘણો વધારે છે.
ક્ષેત્રોની વાત કરીએ તો, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT), આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડિજિટલ બિઝનેસ વિદ્યાર્થીઓ માટે સૌથી વધુ પસંદગીના ક્ષેત્રો છે. જોકે, હાલમાં કાર્યરત વિદ્યાર્થીઓના વ્યવસાયોમાંથી માત્ર ૧૦% જેટલા જ પૂર્ણપણે ડિજિટલ સ્તરે ચાલે છે.
સર્વે અનુસાર, જો વિદ્યાર્થીઓના સંબંધીઓ, મિત્રો, સહાધ્યાયીઓ કે શિક્ષકોમાંથી કોઈ ઉદ્યોગસાહસિક હોય, તો તેવા વિદ્યાર્થીઓ દ્વારા નવું સાહસ શરૂ કરવાની શક્યતા ત્રણ ગણી વધી જાય છે.
આ વધતા ક્રેઝ છતાં રિપોર્ટમાં કેટલીક મહત્વપૂર્ણ ક્ષતિઓ પણ દર્શાવવામાં આવી છે:
નેટવર્કનો અભાવ: ભારતના લગભગ અડધા (૫૦%) વિદ્યાર્થીઓ તેમના માતાપિતા સિવાય અન્ય કોઈ ઉદ્યોગસાહસિકને વ્યક્તિગત રીતે ઓળખતા નથી, જ્યારે વૈશ્વિક સ્તરે આ પ્રમાણ માત્ર એક-તૃતિયાંશ છે.
પ્રથમ વેચાણનો પડકાર: જે વિદ્યાર્થીઓ હજુ પોતાના બિઝનેસ ડેવલપ કરી રહ્યા છે, તેમાંથી માત્ર ૧૦% વિદ્યાર્થીઓ જ તેમનું પ્રથમ વેચાણ (First Sale) કરી શક્યા છે, જ્યારે વિશ્વભરમાં આ આંકડો ૨૩% છે.
જેન્ડર ગેપ (જાતિગત તફાવત): મહિલાઓ અને પુરુષો બંનેમાં બિઝનેસ શરૂ કરવાની ઈચ્છા એકસરખી છે, પરંતુ તેને અમલમાં મૂકવામાં તફાવત જોવા મળે છે. બિઝનેસ કરવાની ઈચ્છા ધરાવતા પુરુષોમાંથી ૫૩% લોકો સાહસ શરૂ કરી શકે છે, જ્યારે મહિલાઓમાં આ પ્રમાણ ૪૫% છે.
ભવિષ્ય માટે મહત્વપૂર્ણ સૂચનો અને સુધારા
આ રિપોર્ટમાં યુનિવર્સિટીઓ, ઇન્ક્યુબેટર્સ અને સરકારને વિનંતી કરવામાં આવી છે કે તેઓ વિદ્યાર્થીઓની માત્ર ‘ઈચ્છા’ ને ‘વાસ્તવિક બિઝનેસ’ માં બદલવામાં મદદ કરે. હાલમાં વિચારમાંથી બિઝનેસ શરૂ કરવાનો કન્વર્ઝન રેટ ૫૧% છે, જેને ટ્રેક કરવો જરૂરી છે.
રિપોર્ટના મુખ્ય સૂચનો:
અનુભવીઓનું માર્ગદર્શન: સફળ એલ્યુમનાઈ (પૂર્વ વિદ્યાર્થીઓ), ફેકલ્ટી આંતરપ્રિન્યોર્સ અને હાલમાં બિઝનેસ ચલાવતા વિદ્યાર્થીઓને ક્લાસરૂમ અને કેમ્પસમાં લાવવા જોઈએ જેથી અન્ય વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે.
વ્યવહારુ લક્ષ્યો પર ધ્યાન: સંસ્થાઓએ માત્ર બિઝનેસ-પ્લાન સ્પર્ધાઓ (Competitions) યોજવાને બદલે વિદ્યાર્થીઓ પ્રથમ ગ્રાહક મેળવે, પ્રથમ વેચાણ કરે, બિઝનેસ રજીસ્ટ્રેશન કરાવે અને પ્રોટોટાઈપ (Prototypes) તૈયાર કરે તેવા વ્યવહારુ માઇલસ્ટોન પર ધ્યાન આપવું જોઈએ.
