માત્ર 18 દિવસમાં ₹2,360 કરોડના ઓર્ડર શિફ્ટ! ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે મોટી તક
ભારતના ટેક્સટાઇલ અને ગારમેન્ટ ઉદ્યોગ માટે આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાની પકડ મજબૂત કરવાનો એક ઐતિહાસિક અવસર સામે આવ્યો છે. પાડોશી દેશ બાંગ્લાદેશમાં ચાલી રહેલી મજૂરોની અશાંતિ, હડતાળ અને ફેક્ટરીઓમાં ઉત્પાદન ખોરવાઈ જવાને કારણે ત્યાંથી ગારમેન્ટના મોટા ઓર્ડર અન્ય દેશોમાં ખસી રહ્યા છે. આ વૈશ્વિક બદલાવનો સીધો અને સૌથી મોટો ફાયદો ભારતને મળી રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. દિલ્હી અને દેશના વેપારીઓ તથા ઉદ્યોગસાહસિકોના સંગઠન ‘ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી’ (CTI) એ આ પરિસ્થિતિને ભારતીય કાપડ ઉદ્યોગ માટે છેલ્લા ૨૦ વર્ષની સૌથી મોટી તક ગણાવી છે.
૧ નવેમ્બરથી ૧૮ નવેમ્બર, ૨૦૨૬ વચ્ચેના માત્ર ૧૮ દિવસમાં બાંગ્લાદેશથી ૨૫૪ મિલિયન ડોલર એટલે કે અંદાજે ₹૨,૩૬૦ કરોડના ગારમેન્ટ ઓર્ડર અન્ય દેશોમાં શિફ્ટ થયા છે. સંગઠનનું કહેવું છે કે આ સ્થળાંતરમાં ભારત સૌથી મોટા લાભાર્થી તરીકે ઉભરી આવ્યું છે.

ZARA, H&M અને M&S જેવી મોટી બ્રાન્ડ્સની ભારત પર પસંદગી
વિશ્વની ટોચની ફેશન બ્રાન્ડ્સ હવે ભારતમાંથી કપડાં ખરીદવામાં ઊંડો રસ દાખવી રહી છે, જેનાથી દેશના ટેક્સટાઇલ અને ગારમેન્ટ કારોબારને નવી ગતિ મળી શકે છે. ZARA, H&M, માર્ક્સ એન્ડ સ્પેન્સર (M&S) અને Celio જેવી દિગ્ગજ આંતરરાષ્ટ્રીય કંપનીઓ બાંગ્લાદેશથી પોતાના ઓર્ડર હટાવીને ભારત ઉપરાંત વિયેતનામ, કંબોડિયા અને ઇન્ડોનેશિયા તરફ વળી રહી છે. જોકે, CTIનો દાવો છે કે આ તમામ દેશોમાં સૌથી વધુ ફાયદો ભારતને મળી રહ્યો છે.
સંગઠનના મતે, ભારતના તિરુપુર, સુરત, લુધિયાણા, દિલ્હી-NCR, નોઇડા, ગુરુગ્રામ અને બેંગલુરુ જેવા મુખ્ય ટેક્સટાઇલ અને ગારમેન્ટ કેન્દ્રોને આ ઓર્ડરનો સીધો લાભ મળી શકે છે. જો આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સના આ ઓર્ડર લાંબા સમય સુધી ભારતમાં જળવાઈ રહે, તો નાના અને મધ્યમ ગારમેન્ટ ઉદ્યોગોમાં પણ ઉત્પાદન વધશે અને દેશમાં રોજગારની નવી તકો ઊભી થશે.
બાંગ્લાદેશમાં અશાંતિ, વધતો ખર્ચ અને ભારતની ઝડપી ડિલિવરી
બાંગ્લાદેશમાંથી ગારમેન્ટ ઓર્ડર સરકી જવા પાછળ ત્યાંની આંતરિક પરિસ્થિતિ મુખ્ય કારણ છે. મજૂરોની અશાંતિ, સતત હડતાળ અને ફેક્ટરીઓ બંધ રહેવાને કારણે બાંગ્લાદેશને ૪૦૦ મિલિયન ડોલરથી વધુનું ઉત્પાદન નુકસાન થયું છે. સમયસર માલ તૈયાર ન થવાથી વિદેશી ખરીદદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
આ ઉપરાંત, બાંગ્લાદેશમાં લઘુતમ વેતન ૧૨,૫૦૦ ટકાથી વધારીને ૧૭,૦૦૦ ટકા કરવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે, જેનાથી ત્યાં ઉત્પાદન ખર્ચમાં મોટો વધારો થયો છે. બીજી તરફ, ડિલિવરીના મામલે ભારત ઘણી મજબૂત સ્થિતિમાં છે. બાંગ્લાદેશમાં ગારમેન્ટ ઓર્ડરની ડિલિવરીમાં અંદાજે ૧૨૦ દિવસનો સમય લાગે છે, જ્યારે ભારત માત્ર ૬૦ થી ૯૦ દિવસમાં માલ પહોંચાડી શકે છે. આમ, ઝડપી ડિલિવરી ભારતની સૌથી મોટી તાકાત બનીને ઉભરી છે.

કરોડો પરિવારોની રોજીરોટી અને MSME ક્ષેત્રની તાકાત
ભારતમાં કાપડ ઉદ્યોગ માત્ર વેપાર પૂરતો સીમિત નથી, પરંતુ તે કરોડો પરિવારોના ગુજરાનનો આધાર છે. ભારતના ટેક્સટાઇલ અને એપેરલ ઉદ્યોગમાં સીધી રીતે ૪ કરોડથી વધુ લોકો કામ કરે છે, જેમાં ૫૦ ટકાથી વધુ મહિલાઓ છે. જો પરોક્ષ રોજગારને પણ ગણતરીમાં લેવામાં આવે, તો અંદાજે ૯ કરોડ લોકો આ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. દેશમાં આ સેક્ટરમાં ૩૬ લાખથી વધુ MSME એકમો કાર્યરત છે.
આ ઉદ્યોગ સાથે માત્ર કપડાં બનાવતી ફેક્ટરીઓ જ નહીં, પરંતુ કપાસ ઉગાડતા ખેડૂતો, દોરા, બટન, ચેઈન (ઝિપ), પેકેજિંગ, ટ્રાન્સપોર્ટ, ટ્રેડિંગ અને રિટેલ વેપાર સાથે જોડાયેલા અસંખ્ય લોકો પણ સંકળાયેલા છે. વિદેશી ઓર્ડર વધવાથી આ સમગ્ર સાંકળને આર્થિક મજબૂતી મળશે.
વડાપ્રધાન મોદીને પત્ર અને ₹૨૦ હજાર કરોડના લક્ષ્યની વાત
ભારતને વિશ્વનું સૌથી મોટું ટેક્સટાઇલ અને ગારમેન્ટ હબ બનાવવા માટે CTIએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ખાસ પત્ર લખ્યો છે. સંગઠને ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન બદલ વડાપ્રધાનનો આભાર માનતા જણાવ્યું છે કે જો આ ઉદ્યોગને વધારાની સુવિધાઓ અને પ્રોત્સાહન આપવામાં આવે, તો ભારત વૈશ્વિક બજારમાં મોખરે રહી શકે છે.
બ્રિજેશ ગોયલે કહ્યું કે એક તરફ અમેરિકા તરફથી ૨૫ ટકા ટેરિફનું દબાણ છે, તો બીજી તરફ દુનિયાની મોટી ફેશન બ્રાન્ડ્સ ભારત તરફ વળી રહી છે. આવી સ્થિતિમાં આ સુવર્ણ તક હાથમાંથી સરકવી ન જોઈએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જો સરકાર અને વેપારીઓ ખભેખભા મિલાવીને કામ કરે, તો બાંગ્લાદેશથી શિફ્ટ થયેલા ₹૨,૩૬૦ કરોડના ઓર્ડરને ₹૨૦ હજાર કરોડ સુધી લઈ જઈ શકાય છે.
CTI દ્વારા સરકાર સમક્ષ મૂકાયેલી પાંચ મુખ્ય માંગણીઓ
આ લક્ષ્યને હાંસલ કરવા માટે CTIએ કેન્દ્ર સરકાર પાસે પાંચ મહત્વપૂર્ણ માંગણીઓ કરી છે:
ટેક્સટાઇલ નિકાસકારોને રાહત: નિકાસકારો માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવામાં આવે, વીજળીના દર સસ્તા કરવામાં આવે, GST રિફંડ સાત દિવસમાં મળી જાય અને લોનના વ્યાજમાં છૂટ આપવામાં આવે.
૨૪ કલાક વીજળી અને પાણી: દેશના તમામ ટેક્સટાઇલ પાર્ક અને ગારમેન્ટ ક્લસ્ટરોમાં ચોવીસે કલાક અવિરત વીજળી અને પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે.
અમેરિકી ટેરિફમાંથી રાહત: અમેરિકા સાથેની ટ્રેડ ડીલમાં ભારતીય કાપડ ઉદ્યોગને ખાસ છૂટછાટ અપાવવામાં આવે, જેથી ૨૫ ટકા ટેરિફની નકારાત્મક અસર ઘટાડી શકાય.
સિંગલ વિન્ડો વ્યવસ્થા: ZARA અને H&M જેવી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સને ભારતમાં ફેક્ટરી સ્થાપવા માટે જમીન અને તમામ જરૂરી મંજૂરીઓ સરળતાથી અને એક જ જગ્યાએથી મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે.
એક લાખ કારીગરોને તાલીમ: ઉદ્યોગની વધતી માંગને પહોંચી વળવા માટે સિલાઈ, કટિંગ અને ડિઝાઇનિંગના ક્ષેત્રમાં એક લાખ નવા કુશળ કારીગરો તૈયાર કરવામાં આવે.
