જામફળ, આંબા અને ચણાથી વધારાની આવક
પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના કુવારદ ગામના જાદવ મહાદેવભાઈ જગમાલભાઈએ પોતાની ખેતીમાં અનોખો પ્રયાસ કર્યો છે. તેમણે વર્ષ 2021માં ખારેકનું વાવેતર શરૂ કર્યું હતું અને ખારેકના છોડોની વચ્ચે આંતરપાક તરીકે જામફળ અને છોલે ચણાનું વાવેતર કર્યું હતું. આ અભિગમથી તેઓએ મુખ્ય પાક સિવાય પણ વધારાની આવક મેળવી છે.
અંતરપાકથી મળ્યો ઉલ્લેખનીય લાભ
મહાદેવભાઈના જણાવ્યા અનુસાર, એક હેક્ટર જમીનમાં 110 ખારેકના રોપા 30/30 ના અંતરે લગાવવામાં આવ્યા છે. એ વચ્ચે 82 જામફળના છોડ અને 18 આંબાના રોપા પણ ઉગાડ્યા છે. ખારેકના પાકનું ત્રીજું વર્ષ છે અને અત્યાર સુધીમાં તેમને 3.5 લાખ રૂપિયાની આવક મળી છે. સાથે સાથે તેઓને 70થી 80 હજાર રૂપિયાની વધુ આવક થવાની અપેક્ષા છે.
જામફળ અને છોલે ચણાથી પણ થયો લાભ
જામફળના પાકમાંથી 2024માં 2 લાખ રૂપિયાની આવક થઇ હતી, જ્યારે ગયા વર્ષે આ જ પાકમાંથી 1.5 લાખ રૂપિયાની આવક મળી હતી. દરરોજ 8 થી 10 મણ જેટલા જામફળનું ઉત્પાદન થાય છે જે 60 રૂપિયાના ભાવે વેચાય છે. આ ઉપરાંત, છોલે ચણાના પાકમાંથી પણ 50 મણ ઉત્પાદન મળ્યું છે જેનું વેચાણ તેઓ અમદાવાદના સાયન્સ સિટીમાં કરે છે અને 200 રૂપિયાના ભાવે વેચે છે.
માર્કેટિંગમાં પોતાનું યોગદાન
જાદવભાઈ તમામ પાકોનું વેચાણ જાતે કરે છે. ખારેક અને જામફળના વેચાણ માટે તેઓ રિટેલ સ્ટોલ શંખેશ્વર, બહુચરાજી અને સમી જેવા વિસ્તારોમાં લગાવે છે. જામફળ શંખેશ્વરમાં રાધે શોપિંગ સેન્ટર આગળ વેચે છે. જાતે વેચાણના કારણે વધુ ભાવે વેચી શકે છે અને નફો સીધો મેળવી શકે છે.
આ પ્રયાસથી મળેલી સફળતા બતાવે છે કે આંતરપાક પદ્ધતિથી ખેડૂતો તેમની આવકમાં નોંધપાત્ર વધારો કરી શકે છે. પણ સૌથી મહત્વની બાબત એ છે કે—જોતાં ખેતરોમાં સફળતા વૃદ્ધિ માટે વૈવિધ્ય અપનાવવું જરૂરી છે.