Nepal Earthquake: નેપાળમાં 4.8 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા
નેપાળમાં 4.8 તીવ્રતાના ભૂકંપના આંચકા, હાલ કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી
આ ક્ષેત્ર ટેકટોનિક ઝોનના કારણે વારંવાર સિસ્મિક પ્રવૃત્તિઓ માટે જાણીતું
Nepal Earthquake: નેપાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 માપવામાં આવી છે. ભૂકંપ 3.59 કલાકે આવ્યો હતો. જો કે હાલ કોઈ નુકસાનના સમાચાર નથી.
ભારતના પાડોશી દેશ નેપાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભારતીય સમય અનુસાર સવારે 3.59 કલાકે ભૂકંપ આવ્યો હતો. તેની તીવ્રતા 4.8 હતી. જો કે આ સમાચાર લખાય છે ત્યાં સુધી આ ભૂકંપના કારણે કોઈ જાનમાલના નુકશાનના સમાચાર નથી.
નેપાળમાં ભૂકંપ સામાન્ય છે. નેપાળ વિશ્વના તે ખતરનાક ક્ષેત્રમાં છે, જેને સૌથી સક્રિય ટેકટોનિક ઝોન કહેવામાં આવે છે. આ ભાગમાં ઘણી વખત સિસ્મિક એક્ટિવિટી નોંધવામાં આવી છે. આ જ કારણ છે કે તે ધરતીકંપ જેવી કુદરતી આફતો માટે સૌથી વધુ જોખમ ધરાવતો વિસ્તાર છે. નેપાળમાં, જ્યારે પરિસ્થિતિ વધુ વણસી જાય છે ત્યારે સમયાંતરે એલર્ટ જારી કરવામાં આવે છે અને ઘણા અહેવાલોમાં તેને જોખમી ક્ષેત્ર તરીકે વર્ણવવામાં આવ્યું છે.
ગયા વર્ષે ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ હતી
ગયા વર્ષે નવેમ્બરમાં નેપાળમાં ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ હતી. 6.4ની તીવ્રતાના આ ભૂકંપને કારણે ઘણી જાનમાલનું નુકસાન થયું હતું. ભૂકંપના કારણે 157 લોકોના મોત થયા હતા અને હજારો લોકો ઘાયલ થયા હતા. ભૂકંપના કારણે નેપાળમાં 8 હજાર મકાનો ધરાશાયી થયા હતા. વર્ષ 2015માં 7.8ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. આ ભૂકંપમાં 12 હજારથી વધુ લોકોના મોત થયા હતા અને હજારો મકાનો ધરાશાયી થયા હતા.
ભૂકંપ કેમ અને કેવી રીતે થાય છે?
ધરતીની અંદર પ્લેટોના અથડામણને કારણે ભૂકંપ આવે છે. ભૂસ્તરશાસ્ત્રના નિષ્ણાતો કહે છે કે આપણી પૃથ્વી 12 ટેક્ટોનિક પ્લેટ પર સ્થિત છે. આ પ્લેટો અથડાતી વખતે જે ઉર્જા બહાર આવે છે તેને ભૂકંપ કહેવાય છે. નિષ્ણાતોના મતે, પૃથ્વીની નીચે હાજર આ પ્લેટો ખૂબ જ ધીમી ગતિએ ફરતી રહે છે. દર વર્ષે આ પ્લેટો તેમની જગ્યાએથી 4-5 મીમી ખસી જાય છે. આ સમય દરમિયાન, કેટલીક પ્લેટ્સ અન્યથી દૂર ખસી જાય છે અને કેટલીક અન્ય નીચેથી સરકી જાય છે. આ સમય દરમિયાન પ્લેટોના અથડામણને કારણે ભૂકંપ આવે છે.