IPL 2024:મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા આ વર્ષે ટીમનું સુકાન નહીં સંભાળે કારણ કે ફ્રેન્ચાઈઝીએ તેની જગ્યાએ હાર્દિક પંડ્યાનો સમાવેશ કર્યો છે. પાંચ વખતની ચેમ્પિયન ટીમને IPLની 17મી સિઝનમાં તેની પ્રથમ મેચ રવિવારે અમદાવાદમાં ગયા વર્ષની રનર્સ-અપ ગુજરાત ટાઇટન્સ સામે રમવાની છે. રોહિત પણ આ મેચ માટે ઉપલબ્ધ રહેશે.
રોહિતે બુધવારે મુંબઈ ઈન્ડિયન્સ ટીમની પ્રથમ ઈન્ટ્રા સ્ક્વોડ પ્રેક્ટિસ મેચમાં ભાગ લીધો ન હતો. ત્યારબાદ ટીમ અમદાવાદ જવા રવાના થઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સે એક નિવેદનમાં કહ્યું કે, સોમવારે ટીમ સાથે જોડાયેલા રોહિતે ટૂંકા ગાળા માટે ટ્રેનિંગમાં ભાગ લીધો હતો. આ સમય દરમિયાન તેણે નેટ સીઝન, મોબિલિટી અને સ્ટ્રેન્થ એન્ડ કન્ડીશનીંગ સીઝનમાં ભાગ લીધો હતો. રોહિત પ્રી-સીઝન પ્રોગ્રામ માટે મુંબઈમાં રોકાયો છે અને તેણે પ્રેક્ટિસ મેચમાં ભાગ લીધો ન હતો.
મુંબઈએ તમામ પ્રેક્ટિસ સેશન પ્રેક્ષકો વિના કર્યા હતા. રોહિતે તાજેતરમાં જ ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચોની શ્રેણીમાં ભારતીય ટીમની કમાન સંભાળી હતી. ભારતે આ શ્રેણી 4-1થી જીતી લીધી હતી. આ શ્રેણી લાંબા સમય સુધી ચાલી હતી, તેથી રોહિતના વર્કલોડ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. IPLની આ સિઝન રોહિત માટે થોડી અલગ હશે કારણ કે તેના પર કેપ્ટનશિપનું દબાણ નહીં હોય. છેલ્લા એક દાયકામાં આ પ્રથમ વખત બનશે જ્યારે રોહિત મુંબઈની કમાન સંભાળશે નહીં. રોહિત IPLમાં અન્ય ભારતીય ક્રિકેટરની નીચે રમનાર પ્રથમ ભારતીય કેપ્ટન બનશે. હાર્દિકે 2015માં રોહિતની કેપ્ટન્સીમાં IPLમાં ડેબ્યૂ કર્યું હતું.
હાર્દિકે રોહિતને ગળે લગાવ્યો
હાર્દિકને સુકાનીપદ સોંપવાની ઘણી વાતો ચાલી રહી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે રોહિતને કેપ્ટન્સીથી હટાવવાથી નારાજ છે અને કેપ્ટનશિપને લઈને બંને ખેલાડીઓ વચ્ચે સંઘર્ષની સ્થિતિ સર્જાઈ છે. જોકે, મુંબઈ ઈન્ડિયન્સના નેટ્સ સેશન દરમિયાન જ્યારે બંને ખેલાડીઓ સામસામે આવ્યા ત્યારે અલગ જ ચિત્ર જોવા મળ્યું હતું. હાર્દિક અને રોહિત વચ્ચે કોઈ અણબનાવ ન હતો અને હાર્દિકે રોહિતને ગળે લગાડ્યો હતો. આ દરમિયાન બંને ખેલાડીઓ હસતા જોવા મળ્યા હતા.