IPL 2024 ની હરાજી પ્રથમ વખત દેશની બહાર આયોજિત થવા જઈ રહી છે. આ હરાજી 19 ડિસેમ્બરે દુબઈના કોકા કોલા એરેના ખાતે યોજાશે. આ વખતે હરાજી માટે 1166 ખેલાડીઓએ પોતાના નામ નોંધાવ્યા છે. મિની ઓક્શનમાં 10 ફ્રેન્ચાઇઝી ટીમ ખેલાડીઓ પર બોલી લગાવતી જોવા મળશે. આ વખતે એક દિવસ માટે હરાજીનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ તેનું આયોજન બે દિવસ માટે કરવામાં આવ્યું હતું. હરાજીમાં વધુમાં વધુ 77 ખેલાડીઓ જ ખરીદવામાં આવશે. ગુજરાત ટાઇટન્સ ફ્રેન્ચાઇઝ સૌથી વધુ પર્સ સાથે હરાજીમાં ઉતરશે. જીટીના પર્સમાં રૂ. 38.15 કરોડ છે જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સ પાસે સૌથી ઓછું રૂ. 13.15 કરોડનું પર્સ છે.
આઈપીએલ 2024ની હરાજી માટે જે ખેલાડીઓએ પોતાના નામ નોંધાવ્યા છે તેમાં 830 ભારતીય છે જ્યારે 336 વિદેશી ખેલાડીઓ છે. જેમાં 909 અનકેપ્ડ અને 212 કેપ્ડ પ્લેયર સામેલ છે. 45 સહયોગી દેશોના ખેલાડીઓએ પોતાના નામ નોંધાવ્યા છે. ન્યુઝીલેન્ડના ઉભરતા ઓલરાઉન્ડર રચિન રવિન્દ્ર અને વર્લ્ડ કપના ફાઈનલના હીરો ટ્રેવિસ હેડને પૈસાનો વરસાદ થઈ શકે છે. ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે મિશેલ સ્ટાર્કને ખરીદવાની સ્પર્ધા થશે.