પરમાણુ કાર્યક્રમની જીદ ઈરાનને પડી રહી છે ભારે, હવે દવાઓ સુધીની થઈ કમી
સંયુક્ત રાષ્ટ્ર (UN) તરફથી ફરીથી લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે ઈરાનની મુશ્કેલીઓ વધી ગઈ છે. તેની અસર હવે દેશની દવાઓ પર પણ થઈ રહી છે. દવા નિષ્ણાત મોજતબા સરકંદીએ ચેતવણી આપી છે કે આયાતની અડચણો અને બેંકિંગ/લોજિસ્ટિક્સનો વધતો ખર્ચ દવાઓ, ખાસ કરીને કેન્સરની દવાઓની ભારે અછત સર્જશે.
ઈરાન હાલમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. દવા ઉદ્યોગના એક અગ્રણી નિષ્ણાતે ચેતવણી આપી છે કે માર્ચ સુધીમાં ઈરાન દવા ઉત્પાદનમાં અવરોધો અને ગંભીર દવાઓની અછતનો સામનો કરશે. આનું કારણ એ છે કે સંયુક્ત રાષ્ટ્રના ફરીથી લાદવામાં આવેલા પ્રતિબંધો (‘સ્નેપબેક મિકેનિઝમ’) એ વિદેશી ચલણ (ફોરેન એક્સચેન્જ) સુધીની પહોંચ અને સપ્લાય સિસ્ટમ બંનેને અસર કરી છે.
મોજતબા સરકંદીએ રવિવારે જણાવ્યું કે 2024 અને 2025ના આંકડાઓ અનુસાર, ઈરાનને વિદેશી ચલણની ફાળવણી અને દવા ઉદ્યોગની આયાત જરૂરિયાતો વચ્ચેનું અંતર વધી રહ્યું છે. આ આંકડાઓ 28 સપ્ટેમ્બરે યુએન પ્રતિબંધ ફરીથી લાગુ થતાં પહેલાં તૈયાર કરવામાં આવ્યા હતા.

પ્રતિબંધની દવાઓ પર પડી રહી છે અસર
સરકંદીએ કહ્યું કે, અમારો ઉદ્યોગ બે વાસ્તવિકતાઓ પર ચાલે છે. એક તરફ, દેશની લગભગ 99% દવાઓ દેશની અંદર બને છે, પરંતુ મોટાભાગના સક્રિય દવા તત્વો (Active Pharmaceutical Ingredients – APIs) અને જરૂરી કેમિકલ કમ્પાઉન્ડ (chemical compound) હજી પણ વિદેશોમાંથી, મુખ્યત્વે ચીન અને ભારતમાંથી, આવે છે.
અહેવાલ મુજબ, આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોએ ઈરાનની દવાઓ અને તબીબી સુવિધાઓ સુધીની પહોંચને ખરાબ રીતે અસર કરી છે. જોકે માનવતાવાદી વસ્તુઓને પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી છે, પરંતુ બેંકિંગ અને વીમા પરના પ્રતિબંધોને કારણે ઈરાની આયાતકારો માટે જરૂરી દવાઓની ચૂકવણી કે પરિવહન કરવું ખૂબ મુશ્કેલ બની ગયું છે. આના કારણે હોસ્પિટલો અને દવાખાનાઓમાં અવારનવાર જીવનરક્ષક દવાઓની (life saving medicine) અછત સર્જાય છે, ખાસ કરીને કેન્સર, મલ્ટિપલ સ્ક્લેરોસિસ અને દુર્લભ રોગોની સારવારમાં.
ફંડની થઈ કમી
સરકંદીના જણાવ્યા અનુસાર, સરકારે આ વર્ષે દવાઓ અને તબીબી ઉપકરણો માટે લગભગ $3.4 બિલિયન વિદેશી ચલણ ફાળવ્યું હતું, પરંતુ હાલમાં ઉપલબ્ધ વિદેશી ચલણની કમીને કારણે આ ફંડ સુધીની પહોંચ પહેલાથી જ 10 થી 20 ટકા સુધી ઘટી ગઈ છે.
તેમણે કહ્યું કે, યુએનના પ્રતિબંધો ફરીથી લાગુ થયા પછી, કાચા માલના ઉત્પાદકો અને આયાતકારો બેંકિંગ, વીમા અને લોજિસ્ટિક્સ સંબંધિત નવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. પરિણામ સ્પષ્ટ છે – દવાઓની અછત.
તેમના મતે, સપ્ટેમ્બર પછીથી શિપિંગ અને વીમાનો ખર્ચ 30 થી 50 ટકા સુધી વધી ગયો છે, જ્યારે બેંકિંગ ચેનલો ઠપ્પ થઈ જવાથી આયાતનો સમયગાળો ત્રણ મહિનાથી વધીને 6 મહિના સુધીનો થઈ ગયો છે.
કેન્સરની દવા પર થશે અસર
તેમણે કહ્યું કે આ અછત સૌથી વધુ કેન્સર અને બાયોટેક દવાઓ પર અસર કરશે, જેમ કે 2012 અને 2018ના પ્રતિબંધના સમયમાં થયું હતું. આ સંકટને કારણે દર્દીઓને મોંઘી કાળા બજારની દવાઓ પર નિર્ભર રહેવું પડી રહ્યું છે અથવા તો સારવારમાં વિલંબ સહન કરવો પડી રહ્યો છે, જ્યારે સ્થાનિક દવા ઉત્પાદકો મર્યાદિત કાચા માલને કારણે સંઘર્ષ કરી રહ્યા છે.

ખોટી નીતિઓનો પણ પડ્યો અસર
અન્ય એક ઉદ્યોગ અધિકારી, જેમનું નામ ‘એતેમાદ’ એ જાહેર કર્યું નથી, તેમણે કહ્યું કે સરકારી ગેરવહીવટે પ્રતિબંધોની અસરને વધુ વધારી દીધી છે. તેમણે કહ્યું કે, પ્રતિબંધની અસર આ સંકટ પર લગભગ 40 ટકા છે. બાકીની સમસ્યા ખોટી નીતિઓથી પેદા થઈ છે – જેમ કે ચલણની ફાળવણીમાં વિલંબ, મનસ્વી કિંમત નિર્ધારણ (arbitrary price determination) અને પારદર્શિતાનો અભાવ.
તેમના મતે, ઉત્પાદકોને સરકારી ભાવ નિયંત્રણો (Price Caps) ને કારણે વધતા ખર્ચ વચ્ચે ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે.
અછત વધુ ગંભીર થઈ જશે
આરોગ્ય અધિકારીઓએ દવા ક્ષેત્રની નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરવાનું વચન આપ્યું છે, પરંતુ ઉદ્યોગના નિષ્ણાતોનું કહેવું છે કે જો દવાઓ માટે વિશેષ ચુકવણી ચેનલો બનાવવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં અછત વધુ ગંભીર થઈ જશે.
સંયુક્ત રાષ્ટ્ર (UN) એ ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને તેના પર સપ્ટેમ્બર મહિનામાં ફરીથી પ્રતિબંધો લગાવ્યા છે. આ પ્રતિબંધોમાં હથિયારો પર પ્રતિબંધ (આર્મ્સ એમ્બાર્ગો), પરમાણુ હથિયારો લઈ જઈ શકે તેવી મિસાઇલો પર પ્રતિબંધ અને સંપત્તિ ફ્રીઝ (asset freeze) અને યાત્રા પર પ્રતિબંધો પણ સામેલ છે. ઈરાનની અર્થવ્યવસ્થા પહેલાથી જ મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી છે. આ વચ્ચે આ પ્રતિબંધો લાગુ થયા પછી તેની અસર અર્થવ્યવસ્થા પર વધુ ગાઢ બનશે.

