શું ફિટ નથી કેપ્ટન સૂર્યકુમાર યાદવ? ઓમાન સામે બેટિંગ ન કરવા પાછળનું સાચું કારણ આવ્યું સામે
ઓમાન સામેની મેચમાં ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ બેટિંગ કરવા ન આવ્યા. ભારતે ધીમી ગતિથી આઠ વિકેટ ગુમાવી, પરંતુ કેપ્ટન બેટ પકડીને બેટિંગ કરવા મેદાન પર ઉતર્યા નહીં.
ભારત-ઓમાન મેચમાં સૂર્યકુમાર યાદવ
ભારત અને ઓમાન વચ્ચે એશિયા કપની લીગ સ્ટેજનો છેલ્લો મુકાબલો ચાલી રહ્યો છે. આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો, પરંતુ ઓમાનના બોલરો પણ સતત વિકેટ લેતા રહ્યા. ઓમાને ભારતના આઠ ખેલાડીઓને પેવેલિયન ભેગા કર્યા. જોકે, પાકિસ્તાન સામેની મેચમાં ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ ઓમાન સામેની મેચમાં બેટિંગ પેડ પહેરીને બેસી રહ્યા, પરંતુ ભારતની 8 વિકેટ પડી ગયા બાદ પણ બેટિંગ કરવા ઉતર્યા નહીં.
સૂર્યકુમાર યાદવે કેમ બેટ ન પકડ્યું?
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ સમયે પહેલા બેટિંગ કરવાનું કારણ જણાવ્યું હતું. સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને કહ્યું હતું કે, “આ ટૂર્નામેન્ટની છેલ્લી બે મેચમાં અમને પહેલા બેટિંગ કરવાની તક મળી નથી. આ કારણે ઓમાન સામેની મેચમાં અમે પહેલા બેટિંગ કરવા ઇચ્છીએ છીએ.” કેપ્ટને કહ્યું કે, “બેટિંગ કરીને અમે ટીમની બેટિંગ ક્ષમતા પણ ચકાસવા માંગીએ છીએ.”
કેપ્ટન સૂર્યકુમાર યાદવ સંપૂર્ણપણે ફિટ છે. તેઓ માત્ર ટીમ ઈન્ડિયાના અન્ય બેટ્સમેનોની બેટિંગ ક્ષમતા જોવા માટે જ મેદાનની બહાર બેઠા હતા.
ભારતની સતત વિકેટો પડી
ભારતીય બેટ્સમેનોએ રન તો બનાવ્યા, પરંતુ તેની સાથે ઓમાનના બોલરો પણ વિકેટો ઝડપતા ગયા. ભારતની પ્રથમ વિકેટ બીજી ઓવરમાં 6 રનના સ્કોર પર પડી, જ્યારે શુભમન ગિલ માત્ર 5 રન બનાવીને આઉટ થયા. ત્યારબાદ તોફાની બેટિંગ કરી રહેલા અભિષેક શર્મા 38 રનના સ્કોર પર આઉટ થયા.
ભારત માટે આજના મેચમાં સૌથી વધુ રન સંજુ સેમસને બનાવ્યા. સેમસને 45 બોલમાં 56 રનની અર્ધશતકીય ઇનિંગ રમી. અક્ષર પટેલે 26 રન, તિલક વર્માએ 29 રન અને હર્ષિત રાણાએ અણનમ 13 રન બનાવ્યા. આ દરમિયાન ભારતની વિકેટો પડતી રહી, પરંતુ સૂર્યકુમાર યાદવ મેદાનની બહાર બેસીને મેચ જોતા રહ્યા.