ઈઝરાયલે ગાઝા પર ફરીથી એરસ્ટ્રાઈક કરી, 30 થી વધુ લોકોના મોત, ટ્રમ્પના શાંતિ કરારના ધજાગરા ઉડ્યા
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ગાઝા શાંતિ કરાર આખરે નિષ્ફળ ગયો. ઈઝરાયલે ફરી એકવાર ગાઝા પર એરસ્ટ્રાઈક કરી દીધી છે. વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગાઝા પર ધમાકેદાર હુમલો કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે આ પગલું હમાસ દ્વારા વારંવાર હુમલો કરવાના કારણે ઉઠાવ્યું છે. ટ્રમ્પે વિશ્વના ઘણા મોટા નેતાઓ સમક્ષ શાંતિ કરાર કરાવ્યો હતો, પરંતુ હવે આ કરારના ધજાગરા ઉડી ગયા છે.

અહેવાલ મુજબ ઈઝરાયલી હુમલામાં અત્યાર સુધીમાં 33 લોકોના મોત થયા છે. વળી, ઘણા લોકો ઘાયલ પણ થયા છે, જેમને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. સંરક્ષણ પ્રધાન ઈઝરાયેલ કાટ્ઝે હમાસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે તેણે ઈઝરાયલી સૈનિકો પર હુમલો કર્યો અને જીવ ગુમાવી ચૂકેલા બંધકોને પરત કરવાની શરતનું ઉલ્લંઘન કર્યું છે. બીજી તરફ, હમાસે દાવો કર્યો છે કે તેણે કોઈ હુમલો કર્યો નથી અને શાંતિ કરાર પણ તોડ્યો નથી.
નેતન્યાહૂ શા માટે અને કોના પર ભડક્યા?
વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂનો ગુસ્સો વધી ગયો છે. તેમણે હમાસ પર ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે તેણે સીઝફાયર (યુદ્ધવિરામ) તોડ્યો છે. નેતન્યાહૂએ એમ પણ કહ્યું કે હમાસ ટ્રમ્પના શાંતિ કરાર મુજબ ચાલી રહ્યું નથી. તેણે પહેલા ઈઝરાયલી બંધકોને પરત કરવાનો ઈનકાર કર્યો અને પછી સવાલ કરવામાં આવતાં બહાના બનાવવા લાગ્યો.
BREAKING: Israel violates the ceasefire, carrying out heavy airstrikes against Gaza pic.twitter.com/rRpdb1Yrik
— Israel Exposed (@xIsraelExposedx) October 28, 2025
ડોનાલ્ડ ટ્રમ્પના શાંતિ કરાર પર ફરી પાણી
અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઘણી કોશિશો પછી ઈઝરાયલ અને હમાસ વચ્ચે શાંતિ કરાર કરાવ્યો હતો, પરંતુ હવે તેમની કોશિશ પર પાણી ફરી વળ્યું છે. ઈઝરાયલે હમાસ પર સીઝફાયર તોડવાનો આરોપ લગાવ્યો, તો બીજી તરફ હમાસે આ વાતનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો. ટ્રમ્પે શાંતિ કરાર માટે 10 મહત્વના મુદ્દાઓ રાખ્યા હતા, જેમાં બંધકોને છોડવાની વાત પણ કહેવામાં આવી હતી, પરંતુ હવે તે પણ સંપૂર્ણપણે લાગુ થતું દેખાતું નથી.
