સુરતની જાણીતી શેર બ્રોકિંગ ફર્મ પર IT વિભાગના દરોડા, 4 સ્થળે તપાસનો ધમધમાટ
સુરતનાં પીપલોદ ખાતે આવેલી શેર બજાર સાથે સંકળાયેલા શેર બ્રોકિંગ ફર્મ પર આવકવેરા વિભાગે તપાસ શરુ કરી છે. બેનંબરી નાણનો તાગ મેળવવા માટે આઈટી વિભાગે સર્ચ કાર્યવાહી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
વિગતો મુજબ સુરતનાં પીપલોદ વિસ્તારમાં ચાર સ્થળોએ તપાસનો ધમધમાટ કરવામાં આવ્યો છે. અમૃતસર ઇન્વેસ્ટિગેશન ટીમ આ કાર્યવાહી કરી રહી છે. ગઈકાલે બપોર બાદ પીપલોદની મુખ્ય ઓફિસ પર અધિકારીઓ પહોંચ્યા હતા. કંપનીની જૂની ઓફિસ પર પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.
ઓપ્શન ટ્રેડિંગના આંકડા અને ટ્રાન્ઝેક્શનની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કંપનીના નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી છે. આ તપાસમાં આવકવેરા અધિકારીઓનો મુખ્ય ફોકસ ઓપ્શન ટ્રેડિંગ પર કેન્દ્રિત કર્યું છે. ટ્રેડિંગમાં થયેલા વ્યવહારોની વિગતવાર માહિતી લેવામાં આવી રહી છે.
વિગતો મુજબ આવકવેરા ટીમ અન્ય બે ઠેકાણાઓ પર પણ પહોંચી હતી. એવું મનાય છે કે તપાસનો રેલો અન્ય શહેરોમાં પણ લંબાવાની શક્યતા છે.
સૂત્રો મુજબ આગામી દિવસોમાં વધુ વિસ્તૃત તપાસ થશે. આ પહેલાં પણ અમૃતસર ટીમે અમદાવાદમાં તપાસ કરી હતી.પોલિટિકલ પાર્ટી અને ખોટી કપાતના કેસમાં કાર્યવાહી થઈ હતી શેર બજારમાં પારદર્શિતા લાવવા IT વિભાગ સક્રિય બન્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.