આદિવાસી સંસ્કૃતિના સંરક્ષણ માટે ભાજપ પ્રતિબદ્ધ
ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કમાન સંભાળ્યા બાદ રાજ્યના વિવિધ વિસ્તારોના પ્રવાસ શરૂ કર્યા છે. ગઇકાલે તેઓ સુરત જિલ્લાના માંગરોળ ખાતે યોજાયેલી ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત જનજાતીય ગૌરવ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે આદિવાસી સમાજના ભાઈ-બહેનો સાથે પદયાત્રા કરી અને સમાજની એકતા, સંસ્કૃતિ અને પરંપરાનું મહત્વ ઉજાગર કર્યું. આ ગૌરવ યાત્રા અંબાજીથી ઉમરગામ સુધી યોજાઈ રહી છે, જેનો પ્રારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અંબાજીથી કરાવ્યો હતો. આ યાત્રા રાજ્યના 14 જિલ્લા અને 56 તાલુકાના આદિવાસી વિસ્તારોમાંથી પસાર થઈ રહી છે.

જગદીશ વિશ્વકર્માએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, આપણા દેશની આઝાદી માટે અનેક વિરો અને આદિવાસી નેતાઓએ અવિસ્મરણીય બલિદાન આપ્યું છે. આદિવાસી સમાજના પૂર્વજોએ આજ સુધી તેમની પરંપરા અને વારસાને જીવંત રાખ્યો છે, જે દેશ માટે ગૌરવની વાત છે. તેમણે આદિવાસી સમુદાયને ચેતવણી આપતાં કહ્યું કે, “ખ્રિસ્તી ધર્મના પ્રચારકની મનોજાળમાં ન ફસાવશો. આપણી સંસ્કૃતિ, ધર્મ અને પરંપરા જ આપણી સાચી ઓળખ છે. જેટલા ધર્મ છે, તેમાં સૌથી શ્રેષ્ઠ આપણો ધર્મ છે. આપણા પૂર્વજોમાં શ્રદ્ધા અને વિશ્વાસ જાળવવો એ આપણી ફરજ છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, “અત્યારે ઘણા એવા લોકો સાધુના વેશમાં બહુરૂપિયા બનીને આદિવાસી વિસ્તારોમાં ફરી રહ્યા છે. મારા આદિવાસી ભાઈ-બહેનો ભોળા અને નિર્દોષ છે. જો આવા બહુરૂપિયા તમારા ગામે આવે તો તેમને કહેજો કે અમારી જોડે ભગવાન બિરસા મુંડા છે, અને અમારી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ છે.”

પ્રદેશ પ્રમુખે આગળ જણાવ્યું કે, “આઝાદીના 75 વર્ષ પછી ભગવાન બિરસા મુંડાને સૌથી મોટું સન્માન આપનાર વ્યક્તિ નરેન્દ્ર મોદી છે. આદિવાસી સમાજના યુવાનોને ઉચ્ચ શિક્ષણ મળે તે માટે ભાજપ સરકાર સતત પ્રયત્નશીલ છે. આપણા સંસ્કૃતિક વારસાને સાચવવું એ ભાજપની પ્રથમ પ્રતિબદ્ધતા છે.”

