જામનગરની JCC હાર્ટ ઈન્સ્ટિટ્યૂટમાં 105 દર્દીઓ પર અનાવશ્યક સર્જરી
રાજ્ય આરોગ્ય વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે સરકારી આરોગ્ય યોજનાઓ (PMJAY) હેઠળ કોઈપણ પ્રકારની ગેરરીતિ, છેતરપિંડી અથવા દર્દીઓ સાથેના માનવતા વિરોધી વર્તનને સહન કરવામાં નહીં આવે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આ યોજના આશીર્વાદ સમાન છે, અને કોઈને તેના દુરુપયોગની છૂટ આપવામાં નહીં આવે.
જામનગરની JCC હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ સામે મોટી કાર્યવાહી
જામનગરની JCC Heart Institute સામે મોટો કાંડ બહાર આવ્યો છે, જેમાં 105 દર્દીઓ પર અનાવશ્યક કાર્ડિયાક સર્જરી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે લેબોરેટરી અને ECG રિપોર્ટમાં છેડછાડ કરીને ખોટા નિદાનના આધારે સર્જરીઓ કરવામાં આવી હતી. રાજ્ય સ્તરે થયેલી તપાસમાં કુલ 262 કેસની સમીક્ષા કરવામાં આવી, જેમાંથી 53 કેસોમાં ગંભીર વિસંગતતાઓ મળી આવી હતી. રાજ્ય આરોગ્ય વિભાગે તાત્કાલિક પગલાં લઈ JCC Heart Institute ને PMJAY યોજના પરથી સસ્પેન્ડ કર્યું છે અને હોસ્પિટલના ડૉ. પાર્શ્વ વ્હોરા સામે પણ સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ રૂ. 6 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

બે અન્ય ખાનગી હોસ્પિટલો સામે પણ દંડાત્મક કાર્યવાહી
આ કિસ્સા બાદ રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે ગાઇડલાઇનનું પાલન ન કરનાર કોઈપણ હોસ્પિટલ સામે પગલાં લેવામાં આવશે. તાજેતરના નિરીક્ષણમાં અન્ય બે ખાનગી હોસ્પિટલો સામે પણ ગેરરીતિ બહાર આવી છે —
પાલનપુરની સદભાવના હોસ્પિટલ: એમ્પેનલ્ડ ડોક્ટર સિવાયના ડોક્ટરે સર્જરી કરવી.
જૂનાગઢની સમન્વય હોસ્પિટલ: PMJAY પેકેજ રેટ કરતાં વધારે રકમ વસૂલવી.
આ બન્ને હોસ્પિટલોને રૂ. 50-50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આરોગ્ય વિભાગની ચેતવણી — “ગેરરીતિ કરનારને માફી નહીં”
રાજ્ય આરોગ્ય વિભાગે જણાવ્યું કે સરકાર જનહિત અને પારદર્શિતાના સિદ્ધાંત પર અડગ છે. કોઈપણ હોસ્પિટલ, ડોક્ટર અથવા સંસ્થા જો PMJAY (Pradhan Mantri Jan Arogya Yojana) હેઠળ છેતરપિંડી કે દુરુપયોગ કરશે તો કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

