હોસ્ટેલની વોર્ડન દ્વારા ધમકીનો આક્ષેપ, વિદ્યાર્થીનીઓએ ન્યાયની માંગ ઉઠાવી
જૂનાગઢ શહેરના કલેક્ટર કચેરી નજીક આવેલી ડો. બાબા સાહેબ આંબેડકર સરકારી કન્યા છાત્રાલયમાં ગંદા અને અશુદ્ધ ભોજનના મામલે ભારે હોબાળો મચ્યો છે. છાત્રાલયમાં રહેલી વિદ્યાર્થિનીઓએ દાવો કર્યો કે તેમને પીરસાતું ભોજન ન માત્ર વાસી હોય છે પરંતુ ક્યારેક તેમાં જીવાતો અને ઇયળો પણ જોવા મળે છે. આ બાબત સામે આવતાં જ ગત મોડી રાતે છાત્રાલયમાં રહેલી અનેક વિદ્યાર્થિનીઓએ હંગામો કર્યો હતો અને અધિકારીઓને સ્થળ પર બોલાવ્યાં હતાં.
છાત્રાલયની ખરાબ સ્થિતિ સામે રોષનો વિસ્ફોટ
વિદ્યાર્થિનીઓએ જણાવ્યું કે તેઓ લાંબા સમયથી આ સમસ્યાનો સામનો કરી રહી છે. દરરોજ પીરસાતું ભોજન ગુણવત્તામાં નબળું હોય છે અને સ્વાદથી પણ ખરાબ છે. મેનું મુજબ જુદી જુદી વાનગીઓ મળવી જોઈએ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા વારંવાર એક જ વાસી શાક આપવામાં આવે છે. ખોરાકની નબળી ગુણવત્તાને કારણે અનેક વિદ્યાર્થિનીઓની તબિયત લથડી ગઈ હોવાના આક્ષેપો પણ થયા છે. ગત રાત્રે પીરસાયેલા ભોજનમાં જીવાતો જોવા મળતાં વિદ્યાર્થીઓનો ગુસ્સો ઉફાન પર આવી ગયો હતો.

અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા, તપાસના આદેશ
ઘટનાની જાણ થતાં જ સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ તેમજ સામાજિક આગેવાનો સ્થળ પર દોડી આવ્યા હતા. વિદ્યાર્થિનીઓએ અધિકારીઓ સમક્ષ સ્પષ્ટ જણાવ્યું કે તેમની રજૂઆતો અનેકવાર કર્યા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. અધિકારીએ સ્વીકાર્યું કે ભોજનની ગુણવત્તા ખરેખર નબળી છે અને તરત જ તપાસના આદેશ આપ્યા છે. તેમણે ખાતરી આપી કે ખાદ્ય પદાર્થોમાં સુધારો કરવામાં આવશે અને અન્ય તાત્કાલિક જરૂરિયાતો પૂરી પાડવા પગલાં લેવાશે.
વોર્ડનની ધમકી અને વિદ્યાર્થિનીઓનો આક્ષેપ
ઘટના દરમિયાન વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યો કે વોર્ડને તેમને એડમિશન કેન્સલ કરવાની ધમકી આપી હતી. આ આક્ષેપો બાદ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે જો તપાસમાં વોર્ડન કે રસોયાની ભૂલ સાબિત થશે તો બંને સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ ખોરાકની ગુણવત્તા સુધારવા તાત્કાલિક ખાદ્ય સામગ્રીનો જથ્થો બદલી નવું ભોજન તૈયાર કરવામાં આવ્યુ હતું.

સમસ્યાઓના ઉકેલ માટે વિદ્યાર્થિનીઓને લખિત રજૂઆતની વિનંતી
અધિકારીઓએ વિદ્યાર્થિનીઓને સૂચના આપી કે તેઓ પોતાની તમામ સમસ્યાઓ લેખિતમાં રજૂ કરે જેથી યોગ્ય નિર્ણય લેવામાં સરળતા રહે. છાત્રાલય સંચાલકોએ પણ ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તે માટે પૂરતી તકેદારી રાખવાની ખાતરી આપી છે. હાલ 130 જેટલી વિદ્યાર્થિનીઓ અહીં રહે છે અને તેઓએ અભ્યાસ માટે હોસ્ટેલમાં રહેવું ફરજિયાત બને છે, તેથી આવી પરિસ્થિતિમાં સુધારાની માંગ તેજ બની છે.

