કેટલી અમીર છે કંગના રનૌત? જન્મદિવસ પર જાણો સેલેરી, વૈભવી બંગલા અને કરોડોની કારનું કલેક્શન
બોલિવૂડની ‘ક્વીન’ ગણાતી કંગના રનૌત આજે એટલે કે 23 માર્ચના રોજ પોતાનો 40મો જન્મદિવસ ઉજવી રહી છે. ફિલ્મી દુનિયામાં ‘ગેંગસ્ટર’ થી શરૂઆત કરનાર કંગના આજે માત્ર એક સફળ અભિનેત્રી જ નહીં, પરંતુ હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપના સાંસદ પણ છે. પોતાની અભિનય ક્ષમતા અને બેબાક નિવેદનો માટે જાણીતી કંગના અત્યંત લક્ઝરી લાઈફસ્ટાઈલ જીવે છે.
કુલ સંપત્તિ અને આવકના સ્ત્રોત
ચૂંટણી એફિડેવિટ મુજબ, કંગના રનૌતની અંદાજિત નેટવર્થ 90 કરોડ રૂપિયા છે. જેમાં તેની પાસે લગભગ 28.73 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ અને 62.92 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે. કંગના આજે બોલિવૂડની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે. તે એક ફિલ્મ માટે 15 થી 25 કરોડ રૂપિયા જેટલી તગડી ફી વસૂલે છે. આ ઉપરાંત, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા પણ તે વાર્ષિક 3 થી 3.5 કરોડ રૂપિયાની કમાણી કરે છે.
સોના, ચાંદી અને હીરાના દાગીનાનો શોખ
કંગના પાસે માત્ર રોકડ જ નહીં, પણ કિંમતી ઘરેણાંનો પણ મોટો ખજાનો છે. વિગતો મુજબ, તેની પાસે 6 કિલો 700 ગ્રામ સોનું છે, જેની કિંમત અંદાજે 5 કરોડ રૂપિયા છે. આ સિવાય તેની પાસે 60 કિલો ચાંદી (કિંમત આશરે 50 લાખ) અને 3 કરોડ રૂપિયાથી વધુની કિંમતના હીરાના દાગીના છે. રસપ્રદ વાત એ છે કે, કંગનાએ એક જ દિવસે એટલે કે 4 જૂન 2008ના રોજ 50 જેટલી LIC પોલિસીઓ લીધી હતી.
મુંબઈમાં ફ્લેટ અને મનાલીમાં આલીશાન બંગલો
કંગનાની રિયલ એસ્ટેટ પ્રોપર્ટી પણ કોઈ રાજમહેલથી ઓછી નથી. મુંબઈમાં તેની પાસે 5 બેડરૂમનો આલીશાન ફ્લેટ છે, જેની કિંમત 15 થી 20 કરોડ રૂપિયા હોવાનું મનાય છે. આ સિવાય હિમાચલ પ્રદેશમાં તેનો એક શાનદાર બંગલો છે, જેની કિંમત અંદાજે 25 કરોડ રૂપિયા છે. મુંબઈના પાલી હિલમાં તેનું પોતાનું પ્રોડક્શન હાઉસ ‘મણિકર્ણિકા ફિલ્મ્સ’ની ઓફિસ છે અને મનાલીમાં તે એક કેફે પણ ચલાવે છે.
લક્ઝરી કાર કલેક્શન અને સાંસદ તરીકેની સેલેરી
ગાડીઓના શોખીન કંગના પાસે BMW 7 સીરીઝ અને Mercedes Benz GLE SUV જેવી લક્ઝરી કાર છે, જેની કુલ કિંમત 1.5 કરોડ રૂપિયાથી વધુ છે. હાલમાં તે મંડીના સાંસદ તરીકે સેવા આપી રહી છે, જેના માટે તેને દર મહિને 1 લાખ રૂપિયા પગાર અને અન્ય ભથ્થાં પણ મળે છે.

