કાશ્મીરમાંથી 160 વિદ્યાર્થીઓએ પસંદ કર્યું ગુજરાત
ગુજરાતમાં ચાલી રહેલી એન્જિનિયરિંગ અને ફાર્મસી પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત જમ્મુ-કાશ્મીરમાંથી આવેલા 160 વિદ્યાર્થીઓએ ગુજરાતની કોલેજોમાં પ્રવેશ મેળવ્યો છે. વિદ્યાર્થીઓએ ગુજરાતને વધુ સલામત ગણાવ્યું છે અને અહીંની શિક્ષણ વ્યવસ્થાની પણ પ્રશંસા કરી છે.
દરેક કોલેજમાં કાશ્મીરી વિદ્યાર્થીઓ માટે રિઝર્વ બેઠક
છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતમાં દરેક એન્જિનિયરિંગ અને ફાર્મસી કોલેજે કાશ્મીરી વિદ્યાર્થીઓ માટે બે બેઠક રિઝર્વ રાખી છે. વર્ષ 2025માં, એન્જિનિયરિંગ માટે 130 અને ફાર્મસી માટે 30 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ (ACPC) દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને કાઉન્સેલિંગની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી.
‘ગુજરાતમાં મહિલાઓ વધુ સુરક્ષિત છે’
વિદ્યાર્થી સીમરનએ જણાવ્યું કે “ગુજરાતમાં અભ્યાસ માટે નિર્ણય લેવાનું મુખ્ય કારણ મહિલાઓ માટેની સુરક્ષા છે. અહીં મોડી રાત્રે પણ એકલી મહિલાઓ સુરક્ષિતપણે ફરી કરી શકે છે, જ્યારે કાશ્મીરમાં આવું શક્ય નથી. ફાર્મસીના સારા વિકલ્પ અને અભ્યાસ માટેની ઉત્તમ માળખાકીય સુવિધાઓ અહીં મળી રહે છે.”
વાલીઓએ પણ કર્યો ગુજરાત પર વિશ્વાસ
વિદ્યાર્થીઓ સાથે આવેલા વાલીઓએ પણ કહ્યું કે વર્ષો પહેલાં કાશ્મીરમાં પરિસ્થિતિ ખરાબ થતાં પોતાનું ઘર છોડવું પડ્યું, છતાં સંતાનોના અભ્યાસ માટે ગુજરાતને પસંદ કરવું યોગ્ય નિર્ણય માનવામાં આવે છે.
‘ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા ઉત્તમ છે’
વિદ્યાર્થી ગીતિકા રૈનાએ જણાવ્યું કે તેણે રાજકોટની બી.કે. મોદી કોલેજમાં પ્રવેશ મેળવ્યો છે. ગુજરાતમાં વધુ કોલેજો, સરકારી સહાય અને મહિલા વિધાર્થીઓ માટે નાણા વિના અભ્યાસ કરવાની તક ઉપલબ્ધ છે. બીજી બાજુ, જમ્મુ-કાશ્મીરના પૂર્વ જનરલ સેક્રેટરી ભરત બમરુએ પણ રાજ્ય સરકારની વ્યવસ્થાની પ્રશંસા કરી.
ગુજરાત દેશના અન્ય રાજ્યો માટે શિક્ષણ અને સુરક્ષાના મામલામાં શ્રેષ્ઠ વિકલ્પ બની રહ્યું છે. સરકારની પહેલ અને સરળ પ્રવેશ નીતિ કાશ્મીરી વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે આશાસ્પદ દિશામાં પગલાં છે.