‘B એટલે ફક્ત બીડી નહીં, બુદ્ધિ પણ થાય છે, જે તમારી પાસે નથી!’, બિહારને લઈને કેરળ કોંગ્રેસના ટ્વીટ પર વિવાદ
કેરળ કોંગ્રેસના ‘B એટલે બિહાર, B એટલે બીડી’ (B se Bihar, B se Bidi) વાળા ટ્વીટ પર બિહારમાં રાજકીય હોબાળો મચી ગયો છે. ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ કહ્યું કે આ ટ્વીટમાં બિહાર પ્રત્યે કોંગ્રેસની નફરત સ્પષ્ટ દેખાય છે.
‘B એટલે ફક્ત બીડી નહીં, બુદ્ધિ પણ થાય છે’
JDU સાંસદ સંજય કુમાર ઝાએ લખ્યું, ‘કોંગ્રેસની વધુ એક અત્યંત શરમજનક હરકત! તમને જણાવી દઈએ કે B એટલે ફક્ત બીડી જ નહીં, બુદ્ધિ પણ થાય છે, જે તમારી પાસે નથી! B એટલે બજેટ પણ થાય છે, જેમાં બિહારને વિશેષ સહાયતા મળતા તમને મરચાં લાગે છે. બિહારની મજાક ઉડાવવાની હીનતા કરીને કોંગ્રેસે ફક્ત બિહારવાસીઓનું જ ફરીથી અપમાન નથી કર્યું, પરંતુ દેશના ગૌરવશાળી ઇતિહાસ અને લોકશાહીની પણ મજાક ઉડાવી છે.’ ઝાએ આગળ લખ્યું કે, ‘વિશ્વાસ રાખો, બિહારની મહાન જનતા કોંગ્રેસ દ્વારા વારંવાર કરવામાં આવતા અપમાનનો જડબાતોડ જવાબ આગામી વિધાનસભા ચૂંટણીમાં આપશે, બીડીના ધુમાડાથી નહીં, પરંતુ વોટના પ્રહારથી.’
ગાળાગાળીનો વિવાદ પણ વકર્યો
આ દરમિયાન બિહારમાં વધુ એક વિવાદ વકર્યો છે. વાસ્તવમાં, રાહુલ ગાંધીના મંચ પરથી પીએમ નરેન્દ્ર મોદીના દિવંગત માતાને ગાળ આપવાનો મામલો સામે આવ્યો હતો. તેના વિરોધમાં ભાજપે ગુરુવારે 5 કલાકનું બિહાર બંધનું એલાન આપ્યું હતું. આ મુદ્દાએ પણ રાજકીય માહોલને વધુ ગરમ કરી દીધો. RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે આ સમગ્ર મામલાને ગુજરાત વિરુદ્ધ બિહાર સાથે જોડીને ભાજપ પર નિશાન સાધ્યું. લાલુએ પોતાની X પોસ્ટમાં લખ્યું કે, ‘ગુજરાતી લોકો બિહારીઓને આટલા હળવાશથી ન લે. આ બિહાર છે. ભાજપના ગુંડાઓ રસ્તા પર ચાલતી મહિલાઓ, બહેન-દીકરીઓ, વૃદ્ધો અને સ્કૂલ જતા બાળકોને પરેશાન કરી રહ્યા છે. રસ્તા પર સામાન્ય લોકો સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે.’
कांग्रेस की एक और अत्यंत शर्मनाक हरकत!
आपको बता दें कि B से सिर्फ बीड़ी नहीं, बुद्धि भी होती है, जो आपके पास नहीं है!
B से बजट भी होता है, जिसमें बिहार को विशेष सहायता मिलने पर आपको मिर्ची लगती है।#बिहार का मजाक बनाने की नीचता कर कांग्रेस ने न केवल बिहारवासियों का फिर से अपमान… pic.twitter.com/y6Z4Qj3Yua
— Sanjay Kumar Jha (@SanjayJhaBihar) September 5, 2025
GSTને લઈને વિવાદ વધુ વધ્યો
RJDએ GSTને લઈને પણ ભાજપ પર બિહાર સાથે ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો. RJDના પ્રવક્તા પ્રિયંકા ભારતીએ X પર લખ્યું, ‘મોદીજી GSTમાં પણ બિહારી ઉત્પાદનો સાથે પોતાની નફરત દેખાડી રહ્યા છે. ગુજરાતી ખાખરા પર GST 0% કરી દીધો, જ્યારે બિહારના મખાના પર GST 5% અને પ્રખ્યાત ગયાજીની શાન તલકુટ પર 18%. એટલું જ નહીં, કલમ પર GST વધારીને 18% કરી દીધો. તેજસ્વીજી કહે છે કે ભાજપ તલવાર વહેંચે છે, કલમથી નફરત કરે છે.’ ઉલ્લેખનીય છે કે બિહારમાં ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને આવા સંજોગોમાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે અલગ-અલગ મુદ્દાઓ પર નિવેદનબાજી તેજ થઈ ગઈ છે.